જૈનાચાર્ય જગદ્ ગુરુ હીરવિજયસૂરિશ્વરજી મહારાજાની જીવન ઝરમર.

આચાર્ય હીરસૂરિશ્વરજી મહારાજ સાહેબનો જન્મ સંવત 1583માં માગશર સુદ 9ના દિવસે ગુજરાત નાં પાલનપુરમાં ગામે થયો હતો. તેમના માતાનું નામ નાથીબાઈ અને પિતાનું નામ કુંરા શાહ હતું.તેમનું બાળપણનું નામ હીરજી હતું.13 વર્ષની ઉંમરે બહેન વિમલાને ત્યાં પાટણ રહેવા ગયા. ત્યાં શ્રી વિજયદાનસૂરિજી મ.સા. ધર્મોપદેશ સાંભળ્યો. મનમાં વૈરાગ્ય થયો. દીક્ષાની અનુમતિ લઈને વિક્રમ સંવત 1596માં કારતક વદ 2ના દિવસે પાટણમાં આચાર્ય વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું દીક્ષા નામ હીરહર્ષ મુનિ પડ્યું. દક્ષિણ ભારતમાં દેવગિરિમાં એક બ્રાહ્મણ પંડિત પાસે શાસ્ત્રભ્યાસ કર્યો. દેવગિરિમાં શાસ્ત્રભ્યાસનો ખર્ચ દેવસી શેઠની પત્ની જસમાએ આપ્યો હતો. શાસ્ત્રભ્યાસ પછી દેવગિરિથી રાજસ્થાન નાં નાડુલાઈ આવ્યા. નાડુલાઈમાં તેમના ગુરુ દાનસૂરિ મહારાજે સંવત 1607માં પંન્યાસ પદ અને સંવત 1608 ઉપાધ્યાય પદ આપ્યું. સંવત 1610માં મહા વદ 5 ના દિવસે રાજસ્થાન નાં સિરોહી ગામે આચાર્ય પદ આપ્યું. એમનું નામ પડ્યું આચાર્ય હીરવિજયસૂરિ રાણકપુર દેરાસર બનાવનારા ધન્ના શેઠના કુળમાં થયેલ ચાંગા મહેતાએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને આચાર્ય પદવીનો મહોત્સવ કર્યો. આચાર્ય વિજયદાનસૂરિ મહારાજે તેમને પોતાના પટ્ટધર બનાવ્યા.ગુરુના સ્વર્ગવાસ પછી તપાગચ્છના નાયક બન્યા.એમના શિષ્ય આચાર્ય વિજયસેનસૂરિ મહારાજને પોતાની પાટે સ્થાપ્યા.લોંકાગચ્છના મેઘજી મુનિને મૂર્તિ પૂજામાં શ્રદ્ધા બેસતા તે શ્રી હીરસૂરિ મહારાજ સાહેબ પાસે પુનઃ દીક્ષિત થયા. અસંખ્ય જિનબિંબની પ્રતિષ્ઠા અને સેંકડો વણિકોની દીક્ષા શ્રી હીરસૂરિ મહારાજ સાહેબના હાથે થઈ છે.ગંધાર બંદરે હતા ત્યારે શ્રી હીરસૂરિ મહરાજને મોગલ સમ્રાટ અકબર બાદશાહનું ફતેહપુર સિક્રી આવવા ગુજરાતના સૂબા સાહિબ ખાન દ્વારા નિમંત્રણ મળ્યું.જૈન શાસનનો ઉદય અને અહિંસા પ્રસારના પ્રયોજનથી આમંત્રણનો સ્વીકાર કર્યો. સંવત 1639માં ફતેહપુર સિક્રી પહોંચ્યા. મુસ્લિમ ગ્રંથોના વિશેષજ્ઞ શેખ અબુલફઝલ દ્વારા તેમનું ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. *સંવત 1639 માં જેઠ વદ 13 નાં દિવસે હીરવિજયસૂરિ મહારાજ સાહેબ અકબર બાદશાહને મળ્યા હતા.હીરવિજયસૂરિ મહારાજ સાહેબે અકબર બાદશાહને ઈશ્વર,દેવ,ગુરુ,ધર્મનું સ્વરૂપ સમજાવ્યું.પાંચ મહાવ્રતો સમજાવ્યા. જૈન તીર્થોની માહિતી આપી. તેનાથી અકબર બાદશાહ પ્રભાવિત થયો.બાદશાહે હીરવિજયસૂરિ મહારાજને જગદ્ ગુરુનું બિરુદ આપ્યું.આગ્રા ચાતુર્માસ કરીને હીરવિજયસૂરિ મહારાજ પુનઃ ફતેહપુર સિક્રી આવ્યા.સંવત 1639 થી 1642 સુધી ત્રણ વર્ષ આસપાસના પ્રદેશોમાં વિચર્યા.અકબર સૂરિજીથી પ્રભાવિત થઈને એક વર્ષ દરમિયાન છ માસ અને છ દિવસનું અમારી પ્રવર્તન કર્યું. શત્રુંજય તીર્થમાં લેવાતો યાત્રા વેરો બંધ કરીને પર્વત સૂરિજીને સમર્પિત કર્યો. જજિયાવેરો બંધ કર્યો.હીરસૂરિ મહારાજને મળ્યા પછી અકબરના જીવનમાં પરિવર્તન આવ્યું હતું.અકબર રોજ ચકલીની જીભ ખાતો હતો તે એને ખાવાનું બંધ કર્યું હતું. શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબર પાસે રાખીને સૂરિજીએ ત્યાંથી વિહાર કર્યો.આચાર્ય વિજયસેનસૂરિજી,ઉપાધ્યાય શ્રી વિમલહર્ષ વગેરે સાત ઉપધ્યાય,160 પંન્યાસ,2000 સાધુ અને 3000 સાધ્વિજી મહારાજનો એમનો શિષ્ય પરિવાર હતો.આચાર્ય હીરવિજયસૂરિ મહારાજ સાહેબે 2000 આયંબિલ,2000 નીવી,3600 ઉપવાસ,225 છઠ્ઠ,81 અઠ્ઠમ, વીસ સ્થાનકની આરાધના,ત્રણ માસની વિવિધ તપસ્યા સાથે સૂરિમંત્રનું ધ્યાન,22 માસના આયંબિલ-નીવી સાથે જ્ઞાનની આરાધના,તેર માસનું ઉપવાસ,છઠ્ઠ,અઠ્ઠમ,આયંબિલ,નીવી સાથે ગુરુ ભક્તિ તપ વગેરે અનેક તપસ્યા કરી હતી.સૂરિજીએ સંવત 1650માં શત્રુંજયની યાત્રા કરી.સંવત 1652નું ચાતુર્માસ ઉના કર્યું.ભાદરવા સુદ 10ના દિવસે શિષ્યોને બોલાવે છે. હીતશિક્ષા આપે છે.સહુને ખમાવે છે.14 રાજલોકના રહેલ જિન પ્રતિમાને વંદન કરે છે.સાત પહોરનું અનશન કરીને અનિત્ય ભાવના ભાવતાં ભાદરવા સુદ 11ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ગુરુવારે કાળધર્મ પામ્યા.ઈશાન દેવલોકમાં દેવ થયા. જ્યાં એમના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો ત્યાં બહુ કેરીના વૃક્ષ હતા.ત્યાં કેરી નહતી આવતી. એ વૃક્ષ પર પણ કેરી આવવા લાગી. એ દિવસે રાતે દેવતાઓ પણ દર્શન કરવા આવ્યા હતા અને હીરવિજયસૂરિના ગુણ ગાતા હતા.ત્યાં પાસેના ખેતરમાંથી નાગર જ્ઞાતિના એક વણિકે આ બધું જોયું હતું.ભગવાન મહાવીર સ્વામી ની ૫૮મી પાટ પર આચાર્ય હીરવિજયસૂરિ મહારાજ થયા તેમના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિ થયા…
સંકલન કર્તા-મુનિરાજ નયશેખર વિજયજી
