વલસાડ જિલ્લામાં ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે ઇ.વી.એમ.ની સાથે મતદારે કયા ઉમેદવારને મત આપ્યો તે જોઇ શકે તે હેતુસર વીવીપેટનો ઉપયોગ પણ કરાશે. મતદાન પ્રક્રિયાની જાણકારી જિલ્લાના દરેક મતદારને મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.રાવલની રાહબરી હેઠળ ઝુંબેશના રૂપમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઇ.વી.એચ.-વીવીપેટના નિદર્શનો કરવામાં આવી રહ્યાં છે. જેનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કપરાડા મતવિસ્તારમાં આવેલા વિવિધ બુથોમાં કરાયેલા વીવીપેટ અને ઇ.વી.એમ. નિદર્શન અવસરે ગ્રામજનો પાસે મોકપોલ કરાવી પ્રત્યક્ષ નિદર્શન થકી મતદાન પ્રક્રિયા અંગે જાણકારી આપવાની સાથે તા. ૩જી નવેમ્બર, ૨૦૨૦ના રોજ યોજાનારા મતદાનમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવો અનુરોધ પણ કરાયો હતો.
