


રિપોર્ટ : બીના પટેલ
આણંદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂકપત્ર અને એપ્રેન્ટિસ કરારપત્રોના વિતરણનો કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લાના યુવાનોને રોજગાર નિમણૂકપત્રો અને એપ્રેન્ટિસશીપ કરારપત્રોના વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં આણંદ જિલ્લાના પસંદગી પામેલ કુલ ૩૬૫૧ લાભાર્થીઓને રોજગાર નિમણૂકપત્રો તેમજ ૫૮૫ લાભાર્થીઓને એપ્રેન્ટિસશીપ માટેના કરારપત્રો આપવામાં આવ્યા, જેના પ્રતિક રૂપે લાભાર્થીઓને મુખ્ય દંડકશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, રાજયમાં લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે વિકાસના અનેક નવા સોપાનો સર થયા છે, જેના કારણે દેશના અર્થતંત્રના વિકાસમાં ગુજરાતની ભૂમિકા પ્રશંસનીય રહી છે. આજે ગુજરાત સમગ્ર વિશ્વમાં રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. વિશ્વના વિવિધ દેશોના રોકાણકારો, વ્યાપારીઓ અને ઉદ્યોગ સાહસિકો ગુજરાતમાં રોકાણ કરવા માટે થનગની રહ્યા છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વાઇબ્રન્ટ ગુજરાતથી રાજ્યમાં રોજગારીની તકોમાં પણ અનેકગણો વધારો થયો છે.
રાજ્ય સરકાર આઈ.ટી.આઈ અને સંલગ્ન સંસ્થાઓના માધ્યમથી યુવાઓને તાલીમ અને રોજગાર આપવાનું કાર્ય કરી રહી છે, જેના પરિણામે આજે ગુજરાતમાં દરેક ક્ષેત્રે ઝડપી અને ઉત્કૃષ્ટ વિકાસ થઈ રહ્યો છે. તેમ જણાવતાં શ્રી દેસાઈએ વધુમાં ઉમેર્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તાલીમ પ્રાપ્ત યુવાઓને માટે સ્ટાર્ટઅપ અને મુદ્રા લોન જેવી સવલતો ઉપલબ્ધ બનાવી યુવાઓને દેશના આર્થિક વિકાસમાં સહભાગી બનાવ્યા છે.
તેમણે રાજયમાં જન સુખાકારીના અનેકવિધ કાર્યક્રમોનું ઝડપી અમલીકરણ થઈ રહ્યું છે, એટલું જ નહી પરંતુ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના એક વર્ષના સુશાસનમાં સમગ્ર રાજ્ય વિકાસની નવી સિધ્ધિઓ હાંસલ કરી છે, તેમ જણાવી દંડકશ્રીએ રાજ્ય સરકારની ઔદ્યોગિક અને રોજગાર વિભાગની વિવિધ કામગીરીની રૂપરેખા આપી શ્રમ અને રોજગાર વિભાગની “રોજગાર સેતુ” સેવા દ્વારા ઘરે બેઠા કોઈપણ શૈક્ષણિક કે સરકારી યોજનાની માહિતી માત્ર એક ફોન દ્વારા મેળવી શકાય છે તેમ પણ ઉમેર્યુ હતું. તેમણે વધુમાં યુવાનોને નિમણૂકપત્રો અને કરારપત્રો એનાયત કરીને સાચા અર્થમાં તેમના કૌશલ્યનું સન્માન થઈ રહ્યુ હોવાનું ઉમેર્યુ હતું .કાર્યક્રમની શરૂઆતમાં પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટે સ્વાગત પ્રવચન કર્યુ હતુ, જ્યારે અંતમાં જિલ્લા રોજગાર અધિકારીશ્રી ચૌધરીએ આભારવિધી કરી હતી.આ કાર્યક્રમમાં સાયન્સ સિટી, અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતુ.આ પ્રસંગે મામલતદારશ્રી પાર્થ ગૌસ્વામી, ડો. રાજેશ પટેલ, બી. એન્ડ બી. પોલિટેકનીકના પ્રિન્સિપાલશ્રી કિરીટ મકવાણા, આણંદ જિલ્લાની વિવિધ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
