ભા.જ.પા.ની સરકારે સરદાર સાહેબના પદચિન્હો પર ચાલી આઝાદીના દાયકાઓ બાદ કાશ્મીર સમસ્યા ઉકેલી સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ આપી છે – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

જન વિશ્વાસ સંમેલન – વલ્લભવિદ્યાનગર

રિપોર્ટ : બીના પટેલ

ભા.જ.પા.ની સરકારે સરદાર સાહેબના પદચિન્હો પર ચાલી આઝાદીના દાયકાઓ બાદ કાશ્મીર સમસ્યા ઉકેલી સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ આપી છે – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

સરદાર સરોવર ડેમ બનાવવાનું સરદાર સાહેબનું સ્વપ્ન કેટલાંક અર્બન નકસલોએ કચડી નાંખ્યું હતું જેને પરિણામે ૪૦ વર્ષ સુધી સરદાર સરોવર ડેમનું કામ અધુરૂં રહ્યું હતું
ભા.જ.પ.ની સરકારે સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરી સરદાર સાહેબનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર કરી બતાવ્યું છે
ગુજરાત વિરોધી તત્વોથી સર્તક રહી વિરોધીઓની સાજીશને નાકામ કરવા કાર્યકરોએ કામે લાગી જવાની હાંકલ
ગુજરાત અને ભા.જ.પા. બન્નેનો અતૂટ નાતો રહ્યો છે. માત્ર રાજકારણના આટા-પાટાંથી નહીં, પરંતુ દિલનો પ્રેમ અને પોતીકાપણાંના ભાવથી ભા.જ.પ.ના કાર્યકરોએ કમળને હંમેશાં ખીલતું રાખ્યું છે
સૌના સાથ-સૌના વિકાસ મંત્રથી તમે જેટલો સાથ આપ્યો, તેટલો જ વિકાસ આપ્યો છે
એમાંથી પ્રજાનો વિશ્વાસ પ્રગટયો છે જેના પરિણામે દેશના ખૂણે-ખૂણે ભા.જ.પ.નો ઝંડો લહેરાઇ રહ્યો છે
મુખ્ય મંત્રી શ્રીભૂપેન્દ્રભાઇ પટેલ ,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુશાસનના માર્ગે દેશમાં વિકાસની રાજનીતિનો નવોયુગ શરૂ કરાવ્યો છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના શિલ્પી અને વિકાસ પુરૂષ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રજાના વિશ્વાસનું વળતર વિકાસથી ચૂકવી રહ્યા છે
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગાર, ઉદ્યોગ જેવા બહુવિધ વિકાસના કારણે ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, સરદાર સાહેબે દેશના એકીકરણનું કામ કર્યું હતું, પરંતુ એક બીજા ભાઇએ કાશ્મીર માથે લીધું હતું. ભા.જ.પા.ની સરકારે સરદાર સાહેબના પદચિન્હો પર ચાલી આઝાદીના દાયકાઓ બાદ કાશ્મીર સમસ્યા ઉકેલી સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલિ આપી છે. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે સમગ્ર વિશ્વમાં એકતાનગર ખાતે સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર સાહેબનું સન્માન-ગૌરવ વધાર્યું છે, પરંતુ કોંગ્રેસના નેતાઓએ હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાની ઉદારતા પણ દાખવી નથી તેવી નુકચેતની કરતાં કહ્યું કે, જો ત્યાં માથું નમાવીશું તો કયાંક આપણું માથું કપાઇ જશે. સરદાર સરોવર ડેમ બનાવવાનું સરદાર સાહેબનું સ્વપ્ન કેટલાંક અર્બન નકસલોએ કચડી નાંખ્યું હતું જેને પરિણામે ૪૦ વર્ષ સુધી સરદાર સરોવર ડેમનું કામ અધુરૂં રહ્યું હતું. ભા.જ.પ.ની સરકારે સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરી સરદાર સાહેબનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર કરી બતાવ્યું છે. આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ જન વિશ્વાસ સંમેલન યોજાયું હતુ. વડાપ્રધાનશ્રીએ વિરોધીઓને આડે હાથે લેતાં જણાવ્યું કે, ગુજરાતને અપમાનિત કરવાનો એકપણ મોકો વિરોધીઓ છોડતાં નથી ત્યારે આવા ગુજરાત વિરોધી તત્વોથી સર્તક રહી વિરોધીઓની સાજીશને નાકામ કરવા કાર્યકરોએ કામે લાગી જવા હાંકલ કરી હતી.પૂ. બાપુ-સરદાર સાહેબ અને ભાઇકાકા જેવા મહાપુરૂષોના ચરણોમાં વંદન કરી હું ચરોતરની સરદાર સાહેબની કર્મભૂમિ પર ગૌરવની લાગણી અનુભવું છું તેમ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાત અને ભા.જ.પા. બન્નેનો અતૂટ નાતો રહ્યો છે. માત્ર રાજકારણના આટા-પાટાંથી નહીં, પરંતુ દિલનો પ્રેમ અને પોતીકાપણાંના ભાવથી ભા.જ.પ.ના કાર્યકરોએ કમળને હંમેશાં ખીલતું રાખ્યું છે. ગુજરાત ભા.જ.પ. એટલે સેવા-મહિલાઓની સુરક્ષા-વ્યાપાર-કારોબાર માટે ઉત્તમ વાતાવરણ, હુલ્લડો-કરફયુથી મુકિત અને સમાજને તોડવાવાળી તાકાતો પર પ્રહાર કરવાની શકિત, ઉત્સવોની શાંતિપૂર્ણ ઉજવણી, ગરબા પણ થાય અને તાજિયા પણ નીકળે એટલું જ નહીં સુશાસનની દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ, નીત નવા પ્રયોગો દ્વારા ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર થયો હોવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે, સૌના સાથ-સૌના વિકાસ મંત્રથી તમે જેટલો સાથ આપ્યો, તેટલો જ વિકાસ આપ્યો છે, એટલે જ એમાંથી પ્રજાનો વિશ્વાસ પ્રગટયો છે જેના પરિણામે દેશના ખૂણે-ખૂણે ભા.જ.પ.નો ઝંડો લહેરાઇ રહ્યો છે.વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાતના શું હાલ-હવાલ હતા તે સૌ કોઇ જાણે છે. તે સમયે લોકો ગુજરાત અને દેશ છોડી જવા મજબૂર બન્યાં હતાં, પરંતુ ભા.જ.પ. સરકારે દરેક વાતને ગંભીરતાથી લઇ ગામે-ગામ રસ્તાઓ, નેશનલ હાઇ-વેનું મજબૂતીકરણ, ઘર-ઘર અને ખેતર સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કામ કર્યું છે.
ગુજરાતમાં ભૂતકાળમાં ડેમો તો બનાવ્યા હતા, પરંતુ કેનાલો નહોતી બનાવી જે કેનાલોનું બનાવવાનું કામ પણ અમે પુરૂં કર્યું જેના પરિણામે ગુજરાતનો કૃષિ વિકાસ દર દસ ટકા સુધી પહોંચ્યો છે જેના કારણે ગામડાંઓમાં સમૃધ્ધિ વધી છે.
ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતા બમણી કરી છે તેનો સગૌરવ ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતના તમામ ગામોમાં ૨૪ કલાક વીજળી પહોંચાડી એટલું જ નહીં આઠ વર્ષમાં દેશના બાકી ગામોમાં પણ વીજળી પહોંચાડી દેશના ગામડાંઓને રોશનીથી ઝળહળતા કર્યા છે. ગુજરાતના ગામડાંઓમાં થ્રી ફેઝ વીજળી મળતાં લઘુ-કુટિર ઉદ્યોગો સહિત મોટા ઉદ્યોગો પણ આવ્યા છે, જેના કારણે ગામડાંઓમાં સ્થાનિક કક્ષાએ રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે.વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં દૂધનું ઉત્પાદન અઢી ગણું, અનાજનું ઉત્પાદન બમણું, ફળ-શાકભાજીનું ઉત્પાદન ત્રણ ગણું અને શાકભાજીનું ઉત્પાદન પાંચ ગણું વધ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં ડબલ એન્જિનની સરકારે ખેડૂતો અને પશુપાલકોને અભૂતપૂર્વ તાકાત આપી છે. અમારી સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવાનું નકકી કર્યું છે.આણંદ જિલ્લાએ ગોબર ધનનો પ્રોજકેટ બનાવી દેશમાં એક મોડલ ઉભું કર્યું છે તેમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, દેશમાં ગોબર ધન યોજનાથી એક નવી ક્રાંતિની શરૂઆત થઇ છે. કચરામાંથી જૈવિક ખાતર અને વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. લોકોના આરોગ્યની ચિંતા કરી કેમીકલ મુકત ખેતી કરવાનું જનઆંદોલન પણ ગુજરાતના ખેડૂતોએ ઉપાડયું છે જેના પરિણામે આજે ગુજરાત પ્રાકૃતિક કૃષિ તરફ ઝડપભેર આગળ વધી રહયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, છેલ્લા રર વર્ષમાં ગુજરાત તેજ ગતિથી આગળ વધ્યું છે. હવે દોડવાનો સમય પૂરો થયો અને હવે જંપ મારવાનો સમય પાકી ગયો છે. આઝાદીના અમૃતકાળનો પ્રારંભ થયો છે જે યુવાનો માટે સુવર્ણકાળ બની રહી આત્મનિર્ભર ભારતનું કેન્દ્ર બિંદુ બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, ૨૧મી સદીના આગામી દશકોમાં ગુજરાતમાં વિકાસની નૂતન દિશાઓ ઊભી થવાની છે અને તેનું નેતૃત્વ ગુજરાતના યુવાનો કરશે. ગુજરાત હાઇડ્રોજન, ફાર્મા, સેમી કન્ડકટર, વિદ્યુત કાર ઉત્પાદન ક્ષેત્રનું હબ બનવા જઇ રહ્યું છે. આર્થિક ક્ષેત્રે ગીફટ સીટી ગુજરાતના યુવાધનને દુનિયાની નવી તાકાત આપવાનું કામ કરશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.ગુજરાતમાં નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર ગુજરાતના વિકાસને તેજ ગતિથી આગળ વધારી રહી છે તેમ જણાવી ભા.જ.પા.ને આશીર્વાદ આપવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ગતિશકિત પ્રોજેકટથી દેશની સાથે ગુજરાત પણ તેજ ગતિથી આગળ વધવા સક્ષમ બન્યું છે. શહેરોમાં મેટ્રો, બસ સ્ટેશનો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, સી-પ્લેન, રો-રો ફેરી ઉપરાંત વેર્સ્ટન ફ્રેટ કોરીડોરના માધ્યમથી ગુજરાતના લઘુ ઉદ્યોગોનો મહત્તમ લાભ થવાનો છે.ગુજરાતના વિકાસની વાત સાંભળતા કેટલાંક લોકોના મોતિયાં મરી જાય છે તેમ જણાવતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં વંદે ભારત ટ્રેન શરૂઆત થઇ છે. આગામી સમયમાં સુપરફાસ્ટ ટ્રેન પણ આવવાની છે, સાથે-સાથે બુલેટ ટ્રેન પણ આગામી સમયમાં શરૂ થનાર છે. તમારા સમયમાં આવા કામો કરવાની કોણે ના પાડી હતી તેવો વેધક સવાલ વડાપ્રધાનશ્રીએ કર્યો હતો.વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, દુનિયાની સૌથી સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ગુજરાતમાં, દેશનું સૌ પ્રથમ સીએનજી ટર્મિનલ, ટ્રેડીશનલ મેડીકલ, કન્ટેનર મેન્યુફેકચરીંગ પાર્ક, બ્લક ડ્રગ પાર્ક, ગતિ શકિત-રક્ષા શકિત યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કારણે સમગ્ર દેશમાં ગુજરાતની તાકાત વધારી રહી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે. યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થતાં રોજગારીના અવસરો વધ્યાં છે. ૨૦ વર્ષ પહેલાં ગુજરાતમાં મેડીકલ બેઠકો ૧૨૦૦ હતી જે આજે છ હજારે પહોંચી છે. તેવી જ રીતે ઇજનેરી બેઠકો દસ હજાર હતી જે આજે ૭૦ હજાર, એમબીએની બેઠકો બે હજાર હતી તે આજે ૧૨ હજાર, એમસીએની બેઠકો ૫૦૦ થી વધીને પાંચ હજાર, આઇ.ટી.આઇ.ની બેઠકો ૭૦ હજારથી વધી ર.ર લાખ સુધી પહોંચી છે. ગુજરાતમાં અગાઉ ટુરિઝમ, હોસ્પિટાલિટી અને હોટલ મેનેજમેન્ટની એકપણ કોલેજ નહોતી જેની આજે ૮ કોલેજ છે.ગુજરાતમાં જીવન વિકાસ માટેની ઉત્તમ તકો ઊભી થઇ છે એટલે ગુજરાતના યુવાનો દેશ-દુનિયામાં ગુજરાતના ગૌરવ સાથે ગુજરાતની વિરાસતને આગળ વધારી રહ્યા છે. અમે માત્ર વાતોના વડાં કરનાર લોકો નથી પરંતુ ધરતી પર રહીને કામ કરનારા લોકો છીએ.વડાપ્રધાનશ્રીએ ભા.જ.પા.ની સરકાર આસ્થા-વિરાસતને સમૃધ્ધ કરવાનો સીલસીલો આગળ વધાર્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે, ૫૦૦ વર્ષ બાદ આસ્થાના પ્રતિક સમા પાવાગઢના મહાકાલીના મંદિરે પ્રથમવાર ધજા ફરકી છે, એટલું જ નહીં મોઢેરાના સૂર્યમંદિરના રૂપરંગ બદલાયા છે. સોમનાથ, મા ઉમિયા, મા-અંબા જેવા આસ્થાના પ્રતિકોનો વિકાસ કરવામાં આવ્યો છે. તેમણે આ તકે જણાવ્યું કે, ઉજજૈન મહાકાલ, કેદારનાથ, કાશી, અયોધ્યા જેવા દેશના એકતા-અખંડિતતાના સમૃધ્ધ વિરાસતોનો વિકાસ પણ હાથ ધરવામાં આવ્યો છે.વડાપ્રધાનશ્રીએ દેશને ગુજરાત પાસેથી અપેક્ષાઓ છે, ગુજરાત ભા.જ.પા. માં સંગઠન-સમર્પણ અને સેવાનો ભાવ ભરેલો છે. ગુજરાતની વિજયયાત્રાને અવિરત ચાલી રાખી ગુજરાતને દેશમાં શિરમોર બનાવવા તેમણે સૌ કાર્યકર્તાઓને હાંકલ કરી હતી.

:: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ::
મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, પૂ. બાપુ અને સરદાર સાહેબના કારણે આપણને સ્વરાજ મળ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુશાસનનો માર્ગ બતાવી સરદાર સાહેબની દ્રઢ સંકલ્પ શકિત, નિર્ણાયકતા દ્વારા દેશમાં વિકાસની રાજનીતિનો નવોયુગ શરૂ થયો છે. તેમણે વડાપ્રધાનશ્રીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના શિલ્પી અને વિકાસ પુરૂષ ગણાવ્યા હતા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વમંચ પર ભારતને ૨૧મી સદીના નેતૃત્વ માટે તૈયાર કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને લીધે શક્ય બન્યું છે તેમ જણાવ્યું હતું. ગુજરાતના વિકાસના મૂળમાં વડાપ્રધાનશ્રીનું સતત માર્ગદર્શન રહ્યું હોવાનું ઉમેર્યું હતું.જનતા જનાર્દનએ ભા.જ.પા.માં વિશ્વાસ મૂકયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રજાના વિશ્વાસનું વળતર વિકાસથી ચૂકવી રહ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગાર, ઉદ્યોગ જેવા બહુવિધ વિકાસના કારણે ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે.મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ૧.૭૦ કરોડ જન-ધન ખાતા, ૧૦.૫૦ લાખ ગરીબોને આવાસો, ઉજજવલા યોજના હેઠળ ૩૬ લાખ માતાઓને ગેસ જોડાણ તેમજ પ્રધાનમંનત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને રૂપિયા પાંચ લાખનું આરોગ્ય કવચ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. કોરોના કાળમાં કોઇ ભુખ્યું ન સુવે તે માટે ગુજરાતમાં ૭૧ લાખ પરિવારોની ૩.૪૮ કરોડ વસતિને વિનામૂલ્યે અનાજ પુરૂ પાડવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ ત્રણ માસ માટે લંબાવી છે.રાજ્ય સરકાર ગરીબો અને વંચિતો સહિત સૌને વિકાસયાત્રામાં સમાવિષ્ટ કરીને સમગ્ર ગુજરાતીઓના આર્થિક ઉન્નતિનો માર્ગ સુલેખિત કર્યો હોવાનું જણાવતા મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વેપારીઓ-ફેરિયાઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વનબંધુ વિકાસ સહિત ગામડાંઓમાં ખેડૂતોને આર્થિક સમૃધ્ધિ માટે ભા.જ.પા.ની સરકારે દરકાર લીધી છે. સ્પષ્ટ નીતિ અને નેક નિયતને પરિણામે જનતાનો ભરોસો વધ્યો છે.મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા, વંદે ગુજરાત યાત્રા, ગરીબ કલ્યાણ મેળા, શ્રમિક કલ્યાણ મેળા, રોજગાર મેળા દ્વારા સરકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડી સાચો લાભાર્થી રહી ન જાય અને કોઇ ખોટો લાભ લઇ ન જાય તેની પણ દરકાર સરકાર કરી રહી છે.તેમણે આ તકે વિશાળ જન વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, સમગ્ર દેશને ગુજરાત પાસે અપેક્ષાઓ છે ત્યારે ગુજરાતની વિજ્યયાત્રાને અવિરત આગળ વધારી ગુજરાતને દેશમાં શિરમોર બનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને સતત આશિર્વાદ આપવા હાંકલ કરી હતી.
પ્રારંભમાં જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા જયારે અંતમાં મહામંત્રી શ્રી રમણભાઇ સોલંકીએ આભારવિધિ કરી હતી.આ વિશાળ જન વિશ્વાસ સંમેલનમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સી.પી.રવિ, કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખો,પ્ર દેશ મહામંત્રીશ્રી ભાર્ગવ ભટ્ટ, પૂર્વ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM