


શૈશવ રાવ
ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા આજે તેના પ્રસ્થાનના પ્રથમ દિવસે સાંજે ઉમરગામ ખાતે પહોંચી હતી, ઉમરગામ ખાતે યોજાયેલી એક જાહેર સભામાં જંગી જન મેદની ઉમટી હતી. હજારો વ્યક્તિઓની હાજરીમાં યોજાયેલા સભામાં કેન્દ્રીય મંત્રી અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અર્જુન મુંડાજી, કેન્દ્રીય મંત્રી શોભાજી કરંદલાજે, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવા, સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરસભાને સંબોધતા કેન્દ્રીયમંત્રી શ્રી શોભાજી એ જણાવ્યું હતું કે દેશે વિકાસના ફળ સાચા અર્થમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે સત્તારૂઢ થયા પછી જ ચાખ્યા છે. આઝાદી પછી દાયકાઓ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું ત્યારે વિકાસ શું કહેવાય તેનો કોઈને ખ્યાલ પણ ન હતો. આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશના તમામ વિસ્તારોમાં વિકાસ જોવા મળે છે.
શ્રી અર્જુન મુંડાજી એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત એ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ તથા શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ છે. આ ભૂમિએ દેશને જે આપ્યું છે, તેની કોઈ સાથે તુલના થઈ શકે તેમ નથી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓને સર્વોચ્ચ સન્માન આપ્યું છે. એક આદિવાસી મહિલાને દેશના રાષ્ટ્રપતિ પણ બનાવ્યા છે, આદિવાસી પ્રજાની નાની મોટી મુશ્કેલીઓ દૂર કરી છે, અને તેમને વિકાસના માર્ગે લઈ આવ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તથા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં આગામી ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રની તમામ બેઠકો પર ભાજપાને વિજયી બનાવવાનો કોલ આપ્યો હતો.
