કચ્છ વિદ્યાભારતી શિશુ મંદિરો દ્વારા… બાળ માનસમાં સાહિત્યિક મિજાજ ઠસાવવા ૧૫૧ વાર્તાકથનનો અનૂઠો પ્રયોગ

પ્રેરણાદાયી વાર્તાઓથી વિદ્યાર્થીઓનું ઘડતર થતું જોવા મળે છે.

કચ્છ જિલ્લામાં બાળ વાર્તાના બ્રહ્મા ગિજુભાઈ બધેકાના જન્મદિને વિદ્યાભારતીના ૧૪ સ્થાનોમાં ૧૫૧ આચાર્યો દ્વારા એક જ દિવસે બાળમાનસનું ઘડતર કરતી પ્રેરક બાળવાર્તા કથનનો એક અનૂઠો કાર્યક્રમ યોજાયો હતો.
આ અભિનવ પ્રયોગમાં ભચાઉ, ગાંધીધામ, આદીપુર, અંજાર અને મુન્દ્રા જેવા શહેરી વિદ્યાલયો તથા ભીમાસર, નાગલપર, સાપેડા, અંતરજાળ, સંઘડ, ગળપાદર, રતનાલ અને ઝરપરા જેવા ગ્રામીણ વિદ્યાલયોના વર્ગખંડોમાં, મેદાનોમાં કે વૃક્ષ નીચે વાર્તાકથન દ્વારા વિદ્યાર્થીઓને અનોખી પ્રેરણા આપી રસાસ્વાદ પીરસવામાં આવ્યો હતો.
વાર્તા વિશ્વમાં વિહાર કરતા વિદ્યાર્થીઓને જોવાનો પણ એક લ્હાવો હોય છે એમ જણાવતા વિભાગના મંત્રી કૌશિકભાઈ ઠકકરે જણાવ્યું હતું કે આ પ્રયોગથી સહજ રીતે ગુરુજનોની વાચનવૃતિનો વિકાસ થતો જોવા મળતો હોય છે.


પૂર્વકચ્છ વિદ્યાભારતીના અધ્યક્ષ ડૉ. કેશુભાઈ મોરસાણિયાએ સાહિત્યિક મિજાજ ઠસાવવાના આ અભિનવ પ્રયોગનું મુન્દ્રા ડી. એલ. એડ. (પી.ટી.સી.) કોલેજમાં સમાપન કરતાં જણાવ્યું હતું કે વિષયોને વાર્તાઓ સાથે અનુબંધ બાંધીને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વિશ્વદર્શન કરાવવું જોઈએ. અખબારોમાં આવતી શનિવારની બાળવાર્તા પૂર્તિનો આસ્વાદ લેવાનો અનુરોધ કરી કેશુભાઈએ ભારતીય ગણિતશાસ્ત્રી રામાનુજનના જીવન કવન અંગેની રસપ્રદ વાર્તાઓ કહી હતી.


મુન્દ્રા વિદ્યાલયમાં જાગરણ પર્વ નિમિત્તે આવેલા વિદ્યાભારતીના પ્રાંત સંગઠનમંત્રી મહેશજી પતંગે રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણે ત્યાં પ્રાચીનકાળથી દાદા – દાદી તથા ગુરુજીઓ દ્રારા મુલ્યો આધારિત પ્રેરણાદાયી વાર્તાઓથી વિદ્યાર્થીઓનું ઘડતર થતું જોવા મળે છે. એ પરંપરાને જીવંત રાખવાના આ સ્તુતિય પ્રયાસને શબ્દોથી પોખીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *