રાજ્યકક્ષાના મંત્રીશ્રી પી.સી. બરંડા, રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
જિલ્લામાં વિવિધ તાલુકામાં પણ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આજે અરવલ્લી જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ખેરંચા, સાઠંબા અને મોડાસા ખાતે આયોજિત કાર્યક્રમોમાં આદિવાસી સમાજની અસ્મિતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને વંદન કરવામાં આવ્યું હતું. ખેરંચા સ્થિત સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજી તથા આદિવાસી દેવી-દેવતાઓની પૂજનવિધિ અને પ્રાગટ્ય સાથે કાર્યક્રમને પરંપરાગત અને આધ્યાત્મિક માહોલમાં આગળ વધારવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાજીના જીવન, સંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલના અધિકારો માટેના ઐતિહાસિક યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કળાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાના મંત્રીશ્રી પી.સી.બરંડાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાજીનું જીવન અન્યાય સામે લડવાની હિંમત, સમાજના અધિકારોની રક્ષા અને સ્વાભિમાનનું ઉત્તમ ઉદાહરણ છે. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાયાની સુવિધાઓની ઉપલબ્ધતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે યુવા પેઢીને શિક્ષણ, કૌશલ્ય અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધીને સમાજ તથા દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
રાજ્યસભા સાંસદશ્રી તરુણ ચુગએ લોકોને સંબોધિત કરતા ભગવાન બિરસા મુંડાના જીવનને આજના યુવાનો માટે માર્ગદર્શક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિકસિત ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને સહભાગી બનીશું અને આ સંકલ્પને સિદ્ધિના શિખર સુધી પહોંચાડવા કટિબદ્ધ રહીશું.
કાર્યક્રમમાં મેઘરજ તાલુકાના જસવંતપુરા ખાતે ૨૦ એકર વિસ્તારમાં રૂ. ૭૭.૧૧ કરોડના ખર્ચે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ શાળા આદિવાસી સમાજનાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આવાસ અને ઉજ્જવળ ભવિષ્યની તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેની સાથે જ રૂ. ૧૧.૬૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ છાત્રાલય આદિવાસી દીકરીઓને શિક્ષણ માટે વધુ સારી સુવિધાઓ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત જનસમુદાયે નિહાળ્યું હતું.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ભગવાન બિરસા મુંડાજીના નામને કાયમી સ્મૃતિરૂપે જોડતું મહત્વપૂર્ણ કાર્ય પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. મેઘરજ ક્રોસ રોડનું નામ ‘ભગવાન બિરસા મુંડા પથ’ રાખવા તેમજ મેઘરજ ચાર રસ્તા ખાતે ‘ભગવાન બિરસા મુંડા સર્કલ’ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સર્કલના નિર્માણ માટે અંદાજિત રૂ. એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણય ભગવાન બિરસા મુંડાજીના સંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના સ્વાભિમાનની ગાથાને આવનારી પેઢીઓ સુધી જીવંત રાખવાનો ગૌરવપૂર્ણ પ્રયાસ છે.
જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમની સાથે અરવલ્લી જિલ્લામાં સાંઠંબા અને મોડાસા ખાતે પણ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંઠંબા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર, બી.એ.પી.એસ. સત્સંગ મંડપ ખાતે ધારાસભ્યશ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાનાં પ્રમુખશ્રી જયશ્રીબેન પટેલ તથા મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા. બંને સ્થળોએ ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જીવનસંઘર્ષ અને આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને યાદ કરવામાં આવ્યો હતો.
જનજાતીય ગૌરવ દિવસની આ ઉજવણી માત્ર એક જન્મજયંતિની ઉજવણી નહીં, પરંતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો તથા સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ થવાનો અવસર બની હતી.
કાર્યક્રમમાં લોકસભા સાંસદશ્રી શોભનાબેન બારૈયા, જિલ્લા ક્લેક્ટરશ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદારશ્રી નેહા બ્યાડવાલ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, આદિવાસી સમાજના આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.