



મુન્દ્રા, તા. રવિવારે 4 ડિસેમ્બરે મુન્દ્રા શહેરમાં સવારે 8 વાગે આગામી વૈશાખ મહિનામાં યોજાનાર ભુજ નરનારાયણ દેવની દ્વિશતાબ્દી મહોત્સવનું મુન્દ્રા તાલુકાના હરિભક્તોને વિધિવત આમંત્રણ આપવા ભુજ મંદિરના વરિષ્ઠ સંતો પધારવાના છે. પરમભક્ત ડો. કેશુભાઈ મોરસાણીયાને આપેલ મુલાકાતમાં વધુ વિગત આપતા મુન્દ્રા મંદિરના સાંખ્યયોગી સામબાઈફઈએ જણાવ્યું હતું કે 200 વર્ષ પહેલા કચ્છ પ્રદેશની સુખાકારી માટે સ્વયં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવની દિવ્યમૂર્તિ નિજ મંદિરમાં પધરાવી હતી જેની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના નિમંત્રણ આપવા માટે રથયાત્રા મુન્દ્રા ખાતે પધારવાની છે ત્યારે યુવક મંડળ અને યુવતી મંડળ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ભવ્ય રથયાત્રા રવિવારે સવારે આઠ વાગે મુન્દ્રા બસ સ્ટેશનથી બારોઇ રાજમાર્ગ પર પસાર થઈ વાજતે ગાજતે સ્વામિનારાયણ મંદિરે પધારશે ત્યારબાદ ભુજ મંદિરના સંતો સત્સંગ સભામાં આર્શીવચનો પાઠવશે. આ ભવ્ય રથયાત્રામાં ભાગ લેવા હરિભક્તોને મંદિરના પૂજારી કીર્તિભાઈ પરમારે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.