
સંજય ચુડગર-બ્યુરો ચીફ સુરત
પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી દ્વારા આગામી તા.૨૪ અને ૨૫ ડિસેમ્બરે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે પિતાવિહોણી ૩૦૦ દીકરીઓનો ભવ્ય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજાશે. જેમાં તા.૨૪મીએ સાંજે ૬.૦૦ વાગ્યે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણ પણ ઉપસ્થિત રહેશે. આ શુભપ્રસંગની સાથોસાથ એક લાખથી વધુ લોકો સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રેકોર્ડ નોંધાવશે. વિશેષત: આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ.શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થશે.

શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ ૨૦૧૨થી વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી નામથી યોજાયેલા લગ્નોત્સવ બાદ હવે આ વર્ષના અતિમ સપ્તાહમાં જાનવી લેબગ્રોન ગ્રુપના લખાણી પરિવારના સહયોગથી તેઓ ‘દીકરી જગત જનની’ યોજી રહ્યા છે.
“દીકરી જગત જનની’ લગ્નોત્સવ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સાથે સંવાદ કરતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૪૫૭૨ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે, ત્યારે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે. આ વર્ષે અમે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઇ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પ અંતર્ગત એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે. જેમાં આજ સુધીમાં ૭૦ હજાર જાગૃત્ત લોકોએ અંગદાન માટે સંકલ્પપત્ર આપ્યા છે. એક સાથે એક સ્થળે એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે જેનો એક નવો રેકોર્ડ અને સિદ્ધિ સુરતના નામે નોંધાશે. કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય એવા પરિવારના સભ્યો કરશે જેમના પરિવારમાંથી અંગદાન થયું છે, અથવા અંગદાન મેળવ્યું છે.
મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બંને દિવસે ૧૫૦-૧૫૦ લગ્ન થશે. આજ સમારોહમાં તા.૨૫ ડિસે.ના રોજ સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ લગ્નગ્રંથિથી જોડાશે. તા.૨૨મી ડિસેમ્બરે ૫૦૦૦ દીકરીઓની ભવ્ય મહેંદી રસમ ઉજવાશે. તા.૨૪ અને ૨૫મીએ કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખભાઈ માંડવીયા, પરષોત્તમભાઈ રૂપાલા, દર્શનાબેન જરદોશ, પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, રાજ્યના મંત્રીઓ સર્વશ્રી ઋષિકેશ પટેલ, કુબેરભાઈ ડીંડોર, હર્ષ સંઘવી, પ્રફુલભાઈ પાનશેરીયા, મુકેશભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના ૧૦૦૦ બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવાશે. આ કાર્યક્રમનું લોન્ચિંગ લગ્ન સમારોહ દરમિયાન થશે. એક સાથે આટલા બાળકોને દત્તક લઈને તૈયારી કરાવવાનું કાર્ય પણ ઐતિહાસિક પગલું છે એમ વિગતો આપતા પી.પી. સવાણી પરિવારના રમેશભાઈ અને રાજુભાઈ સવાણીએ જણાવ્યું હતું.
ધર્મ મુજબ લગ્નવિધિ થશે: એક દિવ્યાંગ દીકરીના પણ લગ્ન
લગ્નોત્સુક દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. દરેક સમૂહ લગ્નમાં તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્ન કરાવાય છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ થશે. આ સમારોહમાં એક દિવ્યાંગ(મૂકબધિર) દીકરી પણ પ્રભુતામાં પગલા પાડશે. લગ્નોત્સવમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી દીકરીઓ જોડાતા આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.
૧૧ દીકરીઓનું કન્યાદાન વલ્લભભાઈ જીવાણી પરિવાર કરશે
મહેશભાઈ સવાણીના સેવાકાર્યમાંથી પ્રેરણા લઈ ૩૦૦ દીકરીઓ પૈકી આ સમૂહલગ્નમાં ગારિયાધારની ૧૧ દીકરીઓની સ્વૈચ્છિક તમામ જવાબદારીઓ અને ખર્ચ તેમજ દીકરીઓનું કન્યાદાન જલ્પા ડાયમંડના વલ્લભભાઈ જીવાણી દ્વારા કરાશે.
