
શૈશવ રાવ
રાજપીપલા,મંગળવાર :- વિશ્વભરમાં હાલ કોવિડ-૧૯ ની મહામારીની વર્તાઇ રહેલી અસરના પગલે અગમચેતીના ભાગરૂપે આજે તા.૨૭ મી ડિસેમ્બર,૨૦૨૨ ને મંગળવારના રોજ સમગ્ર રાજ્યમાં આયોજિત રાજ્યવ્યાપી મોકડ્રીલના ભાગરૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા સ્થિત જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની આગેવાનીમાં મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમિયાન ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જનશ્રી ડૉ.સંગીતા પરીખે મોકડ્રીલમાં ઉપસ્થિત તમામને ઓ.પી.ડી., આઇ.સી.યુ., RTPCR ટેસ્ટ લેબોરેટરી, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટ, જનરલ વોર્ડ સહિત તમામ સુવિધાઓની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.
આ મોકડ્રીલ દરમિયાન ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓના નિરીક્ષણ બાદ હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે બેઠકનું યોજી હતી. આ બેઠક દરમિયાન જરૂરી માર્ગદર્શ પુરુ પાડતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમા જિલ્લામાં કોવિડની કોઇ પરિસ્થિતિ નથી, પરંતુ ભવિષ્યમાં સંભવત: જો કોઇ પરિસ્થિતિ થાય તો તેવા સંજોગોમાં તેને પહોંચી વળવા આપણે સૌ સંપુર્ણ તૈયારી દાખવી સતર્ક રહીએ અને કોવિડને લગતી કે કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર માટે જરૂરી તમામ દવાઓ અને સામગ્રી અગાઉથી જ ઉપલબ્ધ રાખીએ તેમ જણાવી ધારાસભ્યશ્રીએ રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. આ મોકડ્રીલ દરમિયાન કેમ્પસમાં ઉપલબ્ધ સુવિધાઓ અને તમામ પ્રકારના વોર્ડનું નિરીક્ષણ કરી ભવિષ્યમાં કોરોના મહામારીની કોઇપણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ પણ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મોકડ્રીલ દરમિયાન મુખ્યત્વે PSA ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, એલ.એમ.ઓ. ટેન્ક, એમપીજીએસ, ઉપલબ્ધ બેડની વિગતો, ઓક્સિજન સીલીન્ડર્સ, જરૂરી દવાઓ અને લોજીસ્ટીકની ઉપલબ્ધિ, ઉપલબ્ધ સ્ટાફની તાલીમ/ઓરીએન્ટેશન જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. જેના અનુસંધાને જીએમઇઆરએસ હોસ્પિટલ-રાજપીપલા ખાતે આગામી સંભવિત કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને હાલમાં આઇસોલેશન બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ હોસ્પિટલમાં હાલ ૨૧ આઇસીયુ બેડ, ૧૨ ઓક્સિજન બેડ, ૨૬ જનરલ બેડ મળી કુલ-૫૯ બેડની વ્યવસ્થા સાથે RTPCR લેબોરેટરી અને ડીજીટલ એક્સરેની સુવિધાની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે સાથોસાથ હોસ્પિટલમાં ૬૨૨ જમ્બો ઓક્સિજન સીલીન્ડર, ૬૨ નાના ઓક્સિજન સીલીન્ડર, ૧૦૦૦ લીટર ક્ષમતાની ૨ (બે) લીકવીડ ઓક્સિજન ટેન્ક અને ૨૦૦ લીટરની ક્ષમતાની ૨ (બે) લીકવીડ ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. તેની સાથે ૧૨૦ જેટલાં વેન્ટીલેટર્સ, ૬૨ મલ્ટીપેરા મોનીટર્સ, ૩૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ૧૧૪ જેટલાં રેગ્યુલેટર્સ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજનના ૪ (ચાર) PSA પ્લાન્ટ કાર્યરત છે. લોજીસ્ટીકની વ્યવસ્થાના ભાગરૂપે ૧ (એક) મિની બસ અને ૪ (ચાર) એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે.
માધ્યમો સાથેના સંવાદમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે સંભવત: કોવિડની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે અને દર્દીઓને કેવી સુવિધા પૂરી પાડી શકીએ તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. હોસ્પિટલના કેમ્પસમાં ચાર જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે આ પ્લાન્ટથી લઈને દર્દીની પથારી સુધી ઓક્સિજન પહોંચી શકે તે માટેની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં ૨૫૪ જેટલાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેઓશ્રીએ વધુમાં કહ્યું કે, જૂની સિવિલ હોસ્પિટલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી જો વધારે દર્દીઓ આવે તો ૭૦ જેટલા દર્દીઓને જૂની સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર આપી શકાય તેવું આયોજન થયું છે. ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સાથે સાથે ડોક્ટરોની જે ટીમ છે તેમનું ટીમવર્ક પણ ખૂબ જ સરસ છે. અહીંયા મેડિકલ ઓફિસરની વ્યવસ્થા સહિત બધા જ પ્રકારની વ્યવસ્થાનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લો કોવિડની મહામારીને નાથવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રજાજનો જિલ્લાવાસીઓને જાહેર અપીલ કરતાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે, કોઈપણ તકલીફ આવે તો ડરવાની કે હારવાની જરૂર નથી. દર્દીઓની સારવાર માટે જિલ્લાનું સિવિલ હોસ્પિટલનું તંત્ર ખડે પગે તૈયાર છે. દર્દીઓને કોઈ તકલીફ ઊભી ન થાય તે જોવાની પણ આ જિલ્લાની હોસ્પિટલના તંત્રએ જવાબદારી ઉપાડેલી છે. અગાઉ પણ કોરોના મહામારીમાં આ ટીમે ખૂબ જ સુંદર કામ કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં રાજપીપલાની સિવિલ હોસ્પિટલના સ્ટાફે ખૂબ જ સુંદર સારવાર પૂરી પાડીને એક ઉત્કૃષ્ટ સેવાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. મને ચોક્કસ ખાતરી છે કે સંભવિત આવનારી કોરોના મહામારીને નાથવા માટે આપણે સૌ જિલ્લાવાસીઓ ભેગા મળીને તબીબોને સહકાર આપીને આપણા જિલ્લાને કોઈપણ મહામારી આવે તેમાંથી ઉગારવામાં મદદ કરીશું. તેવી હું સૌ નર્મદા જિલ્લાના સૌ નાગરિકો પાસે અપેક્ષા રાખું છું તેમ તેઓએ જણાવ્યું હતું.
આ મોકડ્રીલ વેળા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જનશ્રી ડૉ.સંગીતા પરીખ, આરએમઓ ડૉ.સંજય ચૌધરી, જનરલ ફિઝીશીયનશ્રી એલ.જે. મેણાત, મેડીકલ ઓફિસર ડૉ. રાજકુમાર સહિત તબીબીશ્રીઓ, સ્ટાફ નર્સ અને હોસ્પિટલના અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા
