શિક્ષિત બેટીનો મતલબ છે શિક્ષિત પરિવાર અને શિક્ષિત દેશ અને કિશોરી કુશળ બને જેવી થીમ આધારિત મેળાનું આયોજન

ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલ દ્વારા દીકરીઓ માટે ભેદભાવ રહિત સમાજની સ્થાપના થાય તે માટેના સિગ્નેચર કેમ્પેનનો પ્રારંભ

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત બેટી બચાવો બેટી ભણાવો યોજના અંતર્ગત  તાલુકા કક્ષાએ આજે જેતલપુર એપીએમસી માર્કેટ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું.

જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ દ્વારા આયોજિત આ મેળામાં અધ્યક્ષ સ્થાને હાજર રહેલા ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલે હાજરી આપી દીકરીઓ કુશળ અને સશક્ત બને તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી દીકરીઓને પ્રોત્સાહન આપ્યું. ધારાસભ્યશ્રી દ્વારા દીકરીઓના જન્મને વધાવવા તેમજ શિક્ષિત કરવા જે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે અન્વયે તેમણે સિગ્નેચર કેમ્પેનનો પણ પ્રારંભ કરાવ્યો. આ કેમ્પેનમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે, “દીકરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય, દીકરી અને દીકરાના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું.”

આ સાથે ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલે મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. મહિલા પોલીસની She ટીમનો સ્ટોલ, ૧૮૧ની યોજનાથી માહિતગાર કરતો સ્ટોલ, આઇસીડીએસ વિભાગ દ્વારા પ્રદર્શન તેમજ હેલ્થ અને એનિમિયા તથા આરોગ્યનું ટેસ્ટિંગ કરતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેમની વિવિધ યોજનાઓની માહિતી આપતો સ્ટોલ, મફત કાનૂની સેવાની માહિતી આપતો સ્ટોલ, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા તેમની વિવિધ યોજનાઓની માહિતી આપતા સ્ટોલ કાર્યક્રમ સ્થળ પર રાખવામાં આવ્યા હતા.

સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનમાં દીકરીના જન્મથી લઈને તેના પાલનપોષણ સુધીનું ધ્યાન રાખવામાં આવે છે. બેટીઓની સશક્ત બનાવી અને તેમને સમાન અધિકાર અને અવસર આપી કોઈ પણ પ્રકારના જાતિગત કે લૈંગિક ભેદભાવ વિના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવામાં આવે છે. દીકરીઓને સમાન અધિકાર મળે અને તે સશક્ત નાગરિક બની રહે એ માટે આ પ્રકારના આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી વિનુભાઈ પટેલ, તાલુકા પ્રમુખશ્રી હંસાબેન પરમાર, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી રમીલાબેન પટેલ તથા ખૂબ મોટી સંખ્યામાં ૧૫થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી દીકરીઓ પણ હાજર રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *