આયુર્વેદ પરંપરા એ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.

       કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. બિમારીમાં સપડાઇએ તે પહેલા જ આયુર્વેદને અપનાવીને સ્વસ્થ જીવન બનાવીએ. તેમણે વધુમાં ૨૦૨૩ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે તેમણે લોકોને રોગોથી બચવા મિલેટ એટલે કે, ગ્લુટેન ફ્રી એવા બાજરો, રાગી, મકાઇ, જુવાર જેવા ધાનનો રોજીંદા જીવનમાં ઉપયોગ વધારવા જણાવ્યું હતું.

       આ પ્રસંગે ભુજ મત વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે,  આયુર્વેદ આપણા રસોડામાં જ રહેલું છે ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાથી અનેક રોગથી બચી શકાય છે. બિમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોની જીંદગી અમુલ્ય છે તે માટે સરકાર આયુષ મેળાના માધ્યમથી આયુર્વેદના ઘર ઘર સુધી પ્રચાર-પ્રસાર થાય તે સક્રીય રીતે કામગીરી કરી રહી છે. તેમણે લોકોને પણ આવા આયોજનોનો લાભ લેવા અપીલ કરી હતી.

       કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કરશનજી જાડેજા, સિવિલ સર્જનશ્રી કશ્યપ બુચ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.પવનકુમાર મકરાણી, ડો. બર્થાબેન પટેલ, અન્ય આયુર્વેદીક ડોકટર ,મેડીકલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

       દિવસભર ચાલેલા પ્રદર્શન-મેળાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે પધ્ધર પ્રાથમિક શાળાના બાળકોએ યોગના આસનો પ્રદર્શિત કરીને યોગ કરવા લોકોને અપીલ કરી હતી. તેમજ આયુર્વેદ સારવાર મેળવીને સ્વસ્થ થયેલા દર્દીઓએ પોતાના પ્રતિભાવ લોકોને જણાવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *