વલસાડ જિલ્લામાં પીએમ-સેતુ યોજનાના અમલીકરણની જાહેરાત, વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેકટર નીતિન સાંગવાનની ઉપસ્થિતિમાં વાપીના વીઆઈએના કોન્ફરન્સ હોલ ખાતે પીએમ- સેતુ યોજનાના અમલીકરણની જાહેરાત અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદને સંબોધન કરતા મંત્રી કનુભાઈએ જણાવ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં કૌશલ્ય વિકાસ અને રોજગારી ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. જિલ્લાના યુવાનોને વર્તમાન સમયની ઉદ્યોગ જગતની જરૂરિયાતો મુજબ સક્ષમ બનાવવા માટે ‘PM-SETU’ (Pradhan Mantri Skilling and Employability Transformation through Upgraded ITIs) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. ૨૪૦ કરોડના વિશાળ રોકાણ સાથે વલસાડ જિલ્લાની ૫ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) નું આધુનિકીકરણ (અપગ્રેડેશન) કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૨૦ કરોડ અને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૮૦ કરોડનું ફંડ ફાળવવામાં આવશે. જ્યારે બાકીનું રૂ. ૪૦ કરોડનું ફંડ વલસાડ જિલ્લાના અગ્રણી ઉદ્યોગોના ભાગીદારી સહયોગથી એકત્રિત કરવામાં આવશે. યોજનાના સફળ અમલીકરણ માટે જિલ્લાની નામાંકિત સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે વિશેષ કરાર કરવામાં આવ્યા છે. જેમાં મેરિલ લાઇફ સાયન્સ દર વર્ષે રૂ. ૨ કરોડ (૫ વર્ષમાં કુલ રૂ. ૧૦ કરોડ), શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દર વર્ષે રૂ. ૧ કરોડ (૫ વર્ષમાં કુલ રૂ. ૫ કરોડ) અને હ્યુબર ગ્રૂપ દર વર્ષે રૂ. ૧ કરોડ (૫ વર્ષમાં કુલ રૂ. ૫ કરોડ) આપશે. આ ઉપરાંત આગામી સમયમાં જિલ્લાના અન્ય ખ્યાતનામ ઉદ્યોગો જેવા કે યુ.પી.એલ. (UPL), વારી એનર્જીસ, ડોમ્સ (DOMS), આરતી ઇન્ડસ્ટ્રીઝ, પીડીલાઇટ, બાયર, સ્કોટ પુનાવાલા, મેક્લોઇડ અને વેસ્ટર્ન રેફ્રીજરેશન પણ આ યોજનામાં જોડાવા તત્પર છે.
મંત્રી કનુભાઈએ વધુમાં જણાવ્યું કે, આઈટીઆઈમાં નવા કોર્સ જેવા કે, એ.આઈ., એરો સ્પેસ, સેમી કન્ડકટર, સોલાર એનર્જી, ડ્રોન, રોબોટીક્સ સહિતના અનેક નવા કોર્સની તાલીમ અપાશે.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં સુરત બાદ બીજા નંબરે વલસાડ જિલ્લામાં પીએમ સેતુ યોજનાનો અમલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને નવા કોર્સ શીખવવામાં આવશે. આ યોજના હેઠળ વલસાડ જિલ્લાની મુખ્ય ITI ને ‘હબ’ (Hub) તરીકે અને અન્ય ૪ સંસ્થાઓને ‘સ્પોક’ (Spoke) તરીકે વિકસાવવામાં આવશે. હબ આઈટીઆઈમાં નવા ચાર કોર્સ અને સ્પોક આઈટીઆઈમાં બે કોર્સ નવા શીખવાશે. બાકીના કોર્સ અપગ્રેડ કરાશે. સ્થાનિક ઈન્ડ્રસ્ટીઝની જરૂરીયાત મુજબ કોર્સ ડિઝાઈન કરાશે.જેનાથી રોજગારી વધશે, પગાર ધોરણ સારૂ મળશે. અત્યાર સુધી આવી કોઈ યોજના આવી નથી કે જેમાં સ્કિલ પર આટલો બધો ભાર મુકાયો હોય.આ યોજનાથી વિકાસને પણ વધુ વેગ મળશે અને સ્કિલ કર્મચારીઓ માટે બહારના રાજ્યો પર નિર્ભરતા ઘટશે. તમામ સંસ્થાઓ વચ્ચે આધુનિક સાધન-સામગ્રી, લેબોરેટરી અને સંસાધનોનું સુચારુ આદાન-પ્રદાન થઈ શકશે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના અગ્રણી ઉદ્યોગોના સંયુક્ત પ્રયાસથી વલસાડ જિલ્લાના હજારો યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ અને રોજગારી-સ્વરોજગારની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં વાપી વીઆઈએના પ્રેસિડેન્ટ સતિષભાઈ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ મગન સાવલિયા, સેક્રરેટરી કલ્પેશ વોરા, ખજાનચી રાજુલ શાહ, પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ, એસઆઈએના પ્રેસિડેન્ટ કૌશિક પટેલ, વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્બર સર્વ યોગેશ કાબરીયા, શીરિષ દેસાઈ, પ્રકાશ ભદ્રા, પારડી આઈટીઆઈના ઈન્ચાર્જ આચાર્ય ધ્રુવ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યુવાનોને કયો લાભ મળશે?
* અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીન કોર્સ: ITI માં નવીનતમ મશીનરી અને ઉદ્યોગ જગતની જરૂરિયાત મુજબના નવા અભ્યાસક્રમો શરૂ થશે.
* ઓન-ધ-જોબ ટ્રેનિંગ (OJT): પુસ્તકીય જ્ઞાન સાથે યુવાનોને ઉદ્યોગોમાં રૂબરૂ કામ કરવાનો અનુભવ અને અપ્રેન્ટિસશીપ આપવામાં આવશે.
* પ્લેસમેન્ટ અને કરિયર ગાઇડન્સ: ખાસ પ્લેસમેન્ટ સેલ, સોફ્ટ સ્કિલ તાલીમ અને ઉદ્યોગ સાહસિકોના સીધા માર્ગદર્શન હેઠળ તાલીમ પૂર્ણ થતાં જ તાત્કાલિક રોજગારીની તકો ઉપલબ્ધ કરાવાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *