રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સરકાર સમાજ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે અને સમાજના ઘડતર માટે કામ કરનારી સંસ્થાઓની હંમેશા પડખે રહેશે અને પ્રોત્સાહિત કરશે. મધ્ય ગુજરાત સરદાર ધામ માટે જમીનની ૪૦ ટકા કપાતને બદલે ફક્ત ૧૦ ટકા કપાતની રાહત આપીને સરકારે આ પ્રોજેક્ટમાં રૂ.૫૦ કરોડનું યોગદાન આપ્યું એ તમારું ગણિત છે. હું આવા દાખલા માંડતો નથી. સરકારે કોઈ ઉપકાર કર્યો નથી. તમે સમાજ માટે, સમાજ વિકાસ દ્વારા રાષ્ટ્ર વિકાસ માટે કામ કરો છો ત્યારે તમને મદદ કરવાની રાજય સરકારની જવાબદારી છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં 1.35 લાખ ચોરસ ફૂટ જમીનમાં 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-૨૦૨૬ હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ઓનલાઇન જોડાયાં હતા. આ પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનો નો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ, શિક્ષણ માટે વગર વ્યાજની લોન, વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનોને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંસ્થા વતી કિંમતી જમીનોનું સરદારધામ માટે દાન આપનારા દાતા સર્વશ્રી રમેશભાઇ પટેલ, વિપુલભાઇ ગજેરા, પારુલભાઇ કાકડિયા, પ્રભુલાલ ધોળુ, દુષ્યંતભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતે કોવિડ કટોકટીનો સફળ મુકાબલો કર્યો છે. તે સહિતની યશસ્વી સિદ્ધિઓ માટે સંસ્થા દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. કોવિડ કટોકટી અને લોકડાઉન પછીનો આ મારો પ્રથમ જાહેર કાર્યક્રમ છે તેવા ઉલ્લેખ સાથે તેમણે આ કાર્યક્રમ કોવિડ નિયમો પાળી યોજવા માટે સંસ્થાને ધન્યવાદ આપ્યાં હતા. સરદારધામ સરદાર સાહેબના જીવનમાં થી પ્રેરણા લઈ, એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્રના સૂત્રને અનુસરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ઉમદા ધ્યેય સાથે કામ કરે છે તેવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સામાજિક પુનરુત્થાનથી રાષ્ટ્રીય પુનરુત્થાન, સમાજના કલ્યાણ, રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવું એ સહુની જવાબદારી છે. સરદાર ધામ સંસ્થા અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો છોડવા, ખોટાં ભપકા અને કૌટુંબિક પ્રસંગોમાં મોટો ખર્ચ ટાળવો અને આ રકમ સમાજ માટે વાપરવી જેવા પંચ મંત્ર સાથે કામ કરે છે, એ ભાવનાને વધાવતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે, આજે ક્રાઇસિસ ઓફ કેરેક્ટર જોવા મળે છે, વિશ્વાસ ડગી જાય તેવા સમયે સમાજનો વિશ્વાસ જીતીને આ સંસ્થાએ આગવી વિશ્વસનીયતા ઊભી કરી છે. આ સંસ્થાના કામને સરદાર સાહેબની સાથે ઈશ્વરના આશિર્વાદ મળ્યા છે . સમાજ માટે, દેશ માટે કામ કરવું એ ઈશ્વરીય કામ છે, એમાં ક્યારેય નાણાંનો અભાવ પડતો નથી કે રૂકાવટ આવતી નથી. સરદાર ધામના કામમાં એનો દાખલો જોવા મળે છે . કોરોનાના સંકટ કાળમાં પણ રાજય સરકારે ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખી છે અને રૂ.૧૩,૦૦૦ કરોડના વિકાસ કામોને ઓનલાઇન બહાલી આપી, શરૂ કરાવી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
કોરોના હારશે ગુજરાત જીતશેના મંત્રને યાદ કરતાં તેમણે કહ્યું કે, આજે રાજયમાં રિકવરીનું પ્રમાણ વધીને ૯૦ ટકા થયું છે, દોઢ લાખ લોકો સાજા થયાં છે, મૃત્યુનું પ્રમાણ ખૂબ ઘટાડી શકાયું છે. નિયમ પાલન એ જ ઈલાજના મંત્રને ગુજરાતના લોકો અનુસરી રહ્યાં છે. નવરાત્રિમાં રાસ ગરબા ન યોજવાના નિર્ણયને લોકોએ ટેકો આપ્યો છે. કોરોનાની રસી ના મળે ત્યાં સુધી સામાજિક દૂરી પાળવી અને માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન એ જ એકમાત્ર ઈલાજ છે એની તેમણે યાદ અપાવી હતી. વિજયાદશમીનું પર્વ એ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પર્વ છે એવા શબ્દો સાથે વિજયાદશમીની સહુને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ ગાંધી, સરદાર, મોદીના ગુજરાતમાં અધ્યાત્મિક ચેતના વધે અને માતૃશક્તિના સતત આશિર્વાદ ગુજરાતને મળે એવી અભ્યર્થના વ્યક્ત કરવાની સાથે તેમણે મોદીજીએ કંડારેલી કેડી પર અને વિકાસની રાજનીતિના આધારે સંવેદનશીલ રાજય સરકાર સતત રાજયને આગળ લઈ જશે એવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને આવરી લેતા વડોદરા સ્થિત સરદારધામ ખાતે ૫૦૦ દીકરા ૫૦૦ દીકરીઓને તાલીમ અને અભ્યાસ સાથે રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અંદાજે રૂ.૧૪ કરોડની જમીન પર નિર્માણ પામનાર સરદારધામમાં અઢી થી ત્રણ કરોડના ખર્ચે સરદાર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. તેમણે રાજય સરકાર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, વડોદરા વહીવટીતંત્ર અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સરદારધામની પાયાની વિગતો જણાવી હતી. તેમણે ઉમેર્યુ કે, વર્ષ-૨૦૧૫માં રાજય સરકાર સાથે રૂ.૫૦૦ કરોડના એમઓયુ કર્યા હતા. ૪૦૩ ટ્રસ્ટીઓ દ્વારા રૂ.૨૦૦ કરોડનું ફંડ સરદારધામ માટે એકત્ર કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન દેશ-વિદેશના ૭૩ ટ્રસ્ટીઓ સહિત વર્ષ દરમિયાન ૧૬૭ ટ્રસ્ટીઓ જોડાયા છે. સરદાર ધામના કેળવણી માટેના પાંચ મંત્રોની તેમણે વિગતે વાત કરી હતી. વધુમાં સરદારધામના ફી સ્ટ્રક્રચર અને સુવિધાનો ચિત્તાર પણ તેમણે રજૂ કર્યો હતો અને જણાવ્યું કે, મિશન-૨૦૨૬ હેઠળ સરદાર ધામ સંસ્થા દ્વારા હાથ ધરાનાર સમાજ વિકાસના રૂ.૧,૦૦૦ કરોડના આયોજનોની રૂપરેખા આપી હતી. અને જમીન કપાતના તેમજ એફ.એસ.આઇ.ના નિયમોમાં રાહત દ્વારા સંસ્થાને પીઠબળ આપવા માટે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. પારૂલભાઇ કાકડીયાએ શાબ્દિક સ્વાગતમાં, સરદારધામ શરૂ કરવા રાજય સરકારના પ્રોત્સાહિત અને સકારાત્મક વલણ માટે રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સરદારધામ શરૂ કરવા માટેની તમામ મંજૂરીઓ સત્વરે અપાવી અને આપેલ બાંહેધરીઓ નિભાવી તે માટે તેમણે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સરદારધામ શરૂ કરવું તે સ્વપ્ન લાગતું હતુ તે રાજય સરકાર અને ભૂમિદાતા સહિતના દાતાશ્રીઓના સહયોગથી સહિયારું સ્વપ્ન પૂર્ણ થયું છે. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડો.જિગીષા બહેન શેઠ, ધારાસભ્ય શૈલેષભાઈ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, રામજીભાઈ ઇટાલિયા, નટુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, વિપુલભાઇ ગજેરા, પારુલભાઇ કાકડિયા, પ્રભુલાલ ધોળુ, રેન્જ આઇજી હરિશચંદ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા દેસાઇ, પ્રાંત અધિકારી વિજય પટણી, સહિત જમીન દાતાઓ, સંસ્થાના સી.ઇ.ઓ. એચ.એસ.પટેલ, સ્થાપક ટ્રસ્ટીઓ, મહિલા પદાધિકારીઓ અને સરદાર ધામ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.



