
રિપોર્ટ ,મયુર પટેલ
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની સમૂહલગ્ન સમારોહમાં પ્રેરક ઉપસ્થિતિ: રૂ.૧ લાખનું દાન આપતા ગૃહમંત્રી

પ્રકૃત્તિ પૂજા સહ આદિવાસી રીતરિવાજ મુજબ લગ્નવિધિ યોજાઈ: ૨૬ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા:

સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અઠવા પાર્ટી પ્લોટ ખાતે ધોડિયા સમાજનો ૨૫મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડી રહેલા ૨૬ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજલક્ષી પ્રગતિશીલ કામગીરીને બિરદાવી રૂ.૧ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ વિશેષ ઉપસ્થિત રહેલા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ રૂ.૫૧ હજાર અને પૂર્વ આદિજાતિ વિકાસમંત્રીશ્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂ.૨૧ હજારનું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડીયાએ જણાવ્યું હતું કે, ધોડિયા સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે, જેથી તેમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સમાજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહ્યો છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે, જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ શુભ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ભાજપ ટ્રાઈબલ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદશ્રી સમીર ઉરાંવ, ભાજપ ટ્રાઈબલ મોરચાના રાષ્ટ્રીય મીડીયા પ્રમુખ ધવલ પટેલ (સુરત), ધોડિયા સમાજ સુરતના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી કાળીદાસ ગરાસીયા અને અશોકભાઈ પટેલ, સમાજના અગ્રણી ધવલભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં ધોડીયા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
