
સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી, ધ્યાન દ્વારા વિશ્વમાં શાંતિ ફેલાવવામાં અવિરત પ્રયાસ કરી રહ્યા છે. જાતિ, ધર્મ, દેશ, ભાષા, રંગ, લિંગ આદિના ભેદભાવ વિના આ ધ્યાન થકી વિશ્વભરના લોકો નિયમિત ધ્યાનને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવી રહ્યા છે. જીવનની ભાગદોડથી દૂર થોડો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યતીત કરવા અને જીવનને વધુ ઊર્જાન્વિત કરવામાં સહાયરૂપ, ચૈતન્યથી પરિપૂર્ણ તથા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે એક વાતાવરણ પૂરું પાડતાં આશ્રમોની પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ભારત અને વિદેશમાં સ્થાપના કરવામાં આવી છે.

આપણાં શાસ્ત્રો અને સંસ્કૃતિમાં પણ યજ્ઞનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિ પોતાના આશ્રમનું વાતાવરણ પવિત્ર રાખવા તથા રાજા-મહારાજા વિશેષ ફળપ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના યજ્ઞ કરતા એવા ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. યજ્ઞ દ્વારા આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે એ તો જ્ઞાનસંમત વાત છે. વર્તમાન સમયમાં પણ સમર્પણ ધ્યાનયોગના દરેક આશ્રમમાં યજ્ઞ કરવામાં આવે છે. યજ્ઞના અનેક ફાયદા છે પરંતુ જો સામૂહિકતામાં યજ્ઞ કરવામાં આવે તો તેનું અદ્વિતીય પરિણામ મળી શકે છે.


ધૂળેટીના શુભ દિવસે ગાંધીનગર ખાતે હિમાલયન ધ્યાનયોગના ૩૦ હવન કુંડનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ જેટલા સાધકોએ યજ્ઞ હવનમાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત આ દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી ગાંધીનગર ખાતેના હિમાલયન સમર્પણ ધ્યાનયોગ કેન્દ્ર દ્વારા હિમાલયન ધ્યાનયોગનો પ્રચાર પ્રસાર કરી વ્યાપ વધારનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પુરુષ સાધકોએ નારી શક્તિની આરતી ઉતારી સહ્રદય ભોજન પણ પીરસ્યું હતું. તમામ સાધકોએ યજ્ઞ અને ભોજન પ્રસાદનો લાભ લઈ ગરબાનો આનંદ માણ્યો હતો.