







રિપોર્ટ ,મયુર પટેલ
૫૨૫૧ લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો વાત્ત,પિત્ત અને કફ જેવા ત્રિદોષોને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કામરેજ તાલુકા મથકે ઉમામંગલ હૉલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમાં ૫૨૫૧ લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.
શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને અપનાવવા અને વાત્ત,પિત્ત અને કફ જેવા ત્રિદોષોને આધારે દિનચર્યા અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો હતો.
આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સૂવર્ણપ્રાશન, ગર્ભસંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન કરાયું હતું. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું. આયુષની વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી જ થઈ શકે તે માટે સ્કૂલના બાળકોને અને નગરજનોને પ્રેઝન્ટેશન દ્વારા આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભૂમિકાબેન પટેલ, તા.પં.ના સભ્યશ્રી લાલુભાઈ વસાવા, કારોબારી સમિતિ અધ્યક્ષશ્રી રસિકભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભારતીબેન રાઠોડ, જિલ્લા આયુષ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકર, મેડિકલ ઓફિસર(ચિતલદા) ડો.પિયુષભાઈ પટેલ, અગ્રણીઓ પુષ્પાબેન પરમાર, જગદીશભાઇ કથીરિયા તથા જિલ્લા-તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
