આઈઆઈટી ગાંધીનગર 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે ‘અમલ્થિયા’ ની 17મી આવૃત્તિનું આયોજન કરશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026 ના રોજ તેના વિદ્યાર્થી સંચાલિત ફ્લેગશિપ ટેકનિકલ ફેસ્ટ ‘અમલ્થિયા-26’ (Amalthea ’26) ની 17મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ વર્ષની થીમ ‘સ્ટ્રેન્ડ્સ ઓફ એટરનિટી’ (Strands of Eternity) પ્રદર્શનો, નિષ્ણાત ચર્ચાઓ, સ્પર્ધાઓ, હેકાથોન અને લાઇવ મનોરંજન દ્વારા ટેકનોલોજી, નવીનતા (ઇનોવેશન) અને આંતરશાખાકીય સમસ્યા નિવારણના વિવિધ પાસાઓને એકસાથે લાવવાના વિચારને રજૂ કરે છે.

અમલ્થિયાના મુખ્ય આકર્ષણોમાંનું એક ‘ટેક એક્સ્પો’ (Tech Expo) હશે, જેમાં સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ લેબોરેટરીઓ અને ટેકનોલોજી સંસ્થાઓની નવીનતાઓ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR), IITGN ની રોબોટિક્સ લેબ, કપીધ્વજ AI, HP, અને ATSN AI સહિત અન્ય ઘણા પ્રદર્શનકર્તાઓ ભાગ લેશે. મુલાકાતીઓ ‘મિલીટ્રી એક્સ્પો’ ની પણ મુલાકાત લઈ શકશે, જેમાં ડ્રોન અને અન્ય અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવશે, તેમજ ‘ઓટો એક્સ્પો’ માં વિન્ટેજ કાર, ક્લાસિક ઓટોમોબાઇલ્સ અને લેન્ડ રોવર, મોરિસ માઇનર, ફોર્ડ રોડસ્ટર, ફોર્ડ મુસ્ટેંગ, BMW M2, મર્સિડીઝ W જેવા આધુનિક વાહનો જોવા મળશે.

31 ઓક્ટોબરે યોજાનાર ‘ઓપન ડે’ દ્વારા વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને મુલાકાતીઓ સમક્ષ તેમના કાર્યો પ્રદર્શિત કરવાની તક મળશે. આ પ્રદર્શનો રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને પુનઃપ્રાપ્ય ઊર્જા, મરીન એન્જિનિયરિંગ, સ્માર્ટ કેમિકલ સેન્સિંગ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ જેવા વિશાળ વિષયોને આવરી લેશે.

31 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યાથી યોજાનાર ‘કોન્ક્લેવ અને સિમ્પોઝિયમ’ માં ઉભરતી ટેકનોલોજીઓ અને સંચાલન (મેનેજમેન્ટ) ના પડકારો પર ચર્ચા કરવા માટે સરકાર, ઉદ્યોગ અને સંશોધન ક્ષેત્રના પ્રતિનિધિઓ એકત્ર થશે. વક્તાઓમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના ડિરેક્ટર સુશ્રી નેહા કુમારી (IAS); ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્રિન્સિપલ એન્જિનિયર ડૉ. વિનય શર્મા; સેમિકન્ડક્ટર લેબોરેટરી, ચંદીગઢના એચ. એસ. જટાના; તથા ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સામેલ છે.

આ સમિટમાં પ્રાયોગિક શિક્ષણ અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલી કેટલીક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ પણ યોજાશે. બંને દિવસ સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા દરમિયાન યોજાનાર ‘બોઇંગ નેશનલ એરોમોડેલિંગ કોમ્પિટિશન’ માં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની 100 થી વધુ ટીમો ભાગ લેશે. અન્ય ઈવેન્ટ્સમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સાયન્સ ઓલિમ્પિયાડ ‘બ્રેઈનવિઝ’ (Brainwiz); લો-લેટન્સી ટ્રેડિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત એન્જિનિયરિંગ ચેલેન્જ; બિઝનેસ અને અરબન-પ્લાનિંગ હેકાથોન; તેમજ રોબોટિક્સ, એરોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સસ્ટેનેબલ એનર્જી ક્ષેત્રની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.

અમલ્થિયા ’26 ના બીજા દિવસે સમિટની EDM નાઇટ ‘ધ શૂન્ય’ સાથે સમાપન થશે, જેમાં અજિતંશુ કુમારના લાઇવ પરફોર્મન્સ બાદ DJ Rihya નું પ્રદર્શન યોજાશે. ઉલ્લેખનીય છે કે અમલ્થિયા ’25 માં શરૂ થયેલી પ્રથમ EDM નાઇટે 2,500 થી વધુ દર્શકોને આકર્ષ્યા હતા.

IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત અમલ્થિયા યુવા ઇનોવેટર્સને ઉભરતી ટેકનોલોજીઓ સાથે જોડાવા, ઉદ્યોગ અને સંશોધન વ્યાવસાયિકો સાથે સંવાદ કરવા અને વ્યવહારિક પડકારોમાં તેમના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે એક મંચ પૂરો પાડે છે. સ્પર્ધાઓમાં ભાગ લેવા, વિઝિટર પાસ/ટિકિટ મેળવવા અને નવીનતમ અપડેટ્સ માટે ફેસ્ટની સત્તાવાર વેબસાઇટ amalthea.iitgn.ac.in ની મુલાકાત લઈ શકાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *