વ્યારાના સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોની મુલાકાત લેતા તાપી જિલ્લાનાં પ્રભારી સચિવશ્રી પી. સ્વરૂપ

કમલમ ન્યુઝ -સમીર શાહ

આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ દ્વારા દેશના ૫૦૦૦ વાજબી ભાવની દુકાનોની કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા મુલાકાત લેવાની પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાપી જિલ્લાનાં પ્રભારી સચિવ અને જમીન સુધારણા કમિશ્નરશ્રી, પી. સ્વરૂપે વ્યારા તાલુકામાં આવેલ વાજબી ભાવની દુકાન પનીયારી અને વ્યારા-૧ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો)ની મુલાકાત લીધી હતી.

આ પહેલ દ્વારા વરિષ્ઠ અધિકારીશ્રીઓને પાયાની હકીકત સાથે જોડવા અને તેના થકી વન નેશન વન રેશનકાર્ડ, PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) જેવી યોજનાઓની ઉંડાણપુર્વક સમજ મેળવવાનો હેતુ હોય, દરેક રાજ્યોમાં આ કાર્યવાહી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની છે. તે માટે ભારત સરકાર દ્વારા પ્રભારી સચિવશ્રીઓને તેમના જિલ્લાના પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો)ની મુલાકાત લેવા ભારત સરકારશ્રી દ્વારા આગ્રહ કરવામાં આવેલ છે.

આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવશ્રી દ્વારા વાજબી ભાવની દુકાન ખાતે ઉપલબ્ધ ભૌતિક જથ્થાની ગુણવત્તા તેમજ વજન અંગેની ચકાસણી કરવામાં આવી તેમજ અનાજ વિતરણ માટે ઉપયોગમાં લેવામાં આવતો વજન કાંટો, તોલમાપ અધિકારી દ્વારા પ્રમાણિત કરવામા આવેલ છે કે કેમ તે અંગેની ભૌતિક ચકાસણી કરવામાં આવેલ હતી. વધુમાં મુલાકાત સમયે હાજર રહેલ રેશનકાર્ડ ધારકો સાથે તેઓને પુરતા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો સમયસર મળી રહે છે કે કેમ? તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોક્ત બાબતે રેશનકાર્ડ ધારકોએ તેઓને સમયસર અને પુરતા પ્રમાણમાં સરકારી અનાજ વાજબી ભાવની દુકાન ખાતેથી મળી રહેતા હોવાનું જણાવ્યુ હતું.

વધુમાં વાજબી ભાવની દુકાનના સંચાલકોને દર માસે ગ્રામ્ય તકેદારી સમિતિની બેઠક નિયમીત પણે બોલાવી તે અંગેની કાર્યવાહી નોંધ તાલુકા કક્ષાએ મોકલી આપવા તથા ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવા માટે સુચન કરવામાં આવ્યુ હતું.તેમજ પ્રભારી સચિવશ્રી દ્વારા લાભાર્થીઓ સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજનાના લાભો મેળવે છે કે કેમ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ ઉપસ્થિત ગ્રામજનો સમક્ષ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માન. પ્રભારી સચિવશ્રી તાપી જિલ્લા અને આપણા ઘર આંગણે આવ્યા એ આપણા માટે ગર્વની વાત છે. વધુમાં સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કરવા સરપંચશ્રીને અનુરોધ કર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *