નાના વેપારીઓને આજીવિકા પૂરું પાડતું મોટું શસ્ત્ર એટલે સ્વદેશી મેળો – ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી

ભરૂચના જિલ્લા આયોજન ભવનની સામે આવેલ સંકટ મોચન હનુમાનજી મંદિરના પટાંગણમાં ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના માન. મિશન ડાયરેક્ટરશ્રી મહેશભાઈ જાની, ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા કલેકટરશ્રી ડૉ. નવનાથ ગવ્હાણેના હસ્તે રીબીન કટીંગ અને દીપ પ્રાગટ્ય થકી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળામાં નાના વેપારીઓ, ફેરિયાઓ અને કુશળ કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્વદેશી મેળામાં ગૃહ ઉદ્યોગો અને સખી મંડળો દ્વારા બનાવવામાં આવેલ સાબુ, કપડા, આર્યુવેદીક વસ્તુઓ, મુખવાસ, કટલરી, મસાલા, પાપડ, પાપડી અને ભરૂચની ઓળખ સુજની, હર્બલ પ્રોડકટશ, ડ્રેસ મટીરીયલ સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્વદેશી મેળો આજથી ૬ નવેમ્બર સુધી યોજાશે. આ સ્વદેશી મેળામાં વિવિધ સ્વદેશી સ્ટોલ સાથે મુલાકાતીઓ ખાણીપીણીનો આનંદ મેળવી શકે તે માટે ખાણીપીણીના સ્ટોલ અને બાળકો માટે રમતના સાધનો પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

નગરપાલિકા પ્રમુખશ્રી દેવેન્દ્રસિંહ વસાવાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના માન. મિશન ડાયરેક્ટરશ્રીએ ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષના સ્વદેશી મેળાની પ્રેરણા લઇ રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ આ વર્ષે પણ નાના વેપારીઓ અને ફેરિયાઓને સ્થાનિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે આ સ્વદેશી મેળો યોજાઈ રહ્યો છે. આ મેળાના પ્રચાર પ્રસાર માટે હાજર લોકોને આહવાહન કર્યું હતું.

આ પ્રસંગે માન. ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સરકારની યોજનાઓના અમલીકરણ માટે સરકાર દ્વારા અભિયાન હાથ ધરાયુ છે. ઘણા ઓછા લોકો હશે જેમના સુધી સરકારી યોજનાઓ પહોંચી હશે સાથે ગ્રામ સચિવાલય જે સાચા લાભાર્થી શોધી યોજનાઓના લાભ આપે છે. ધારાસભ્યએ સ્વદેશી સ્ટોલને મોટું શસ્ત્ર ગણાવ્યું હતું. આ સ્વદેશી મેળામાં નગરપાલિકા પ્રમુખશ્રી દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખશ્રી રૂચિતા મોદી, કારોબારી અધ્યક્ષશ્રી અને સ્થાનિક નગરસેવકો, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *