સુરેન્દ્રનગર જિલ્લાના તથા અન્ય જિલ્લાના ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીના વહનના કારણે જાહેર અવર-જવર કરતી વ્યકિત, પશુઓ વિગેરેને અકસ્માત થવાના પ્રસંગો બનતા હોઈ, સુરેન્દ્રનગર જિલ્લાના રેતીના ખનન કરનારા પરવાનાદારોના ડમ્પર, ટ્રક વિગેરે વાહનો દ્વારા રેતીની હેરફેર જિલ્લાના મુખ્ય હાઈવે તેમજ કાચા પાકા રસ્તાઓ થકી થાય છે. જેના કારણે રાત્રીના અકસ્માતોના બનાવ વધવા પામેલ છે. સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થયા બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. રાત્રીના સમયે થતા રેતીના વેચાણ થવાના કારણે રેતી સ્ટોક પરવાનો ધરાવનાર પરવાનેદાર ગામ લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. નાગરિકો દ્વારા રેતીના લીઝ હોલ્ડરો/રેતી સ્ટોક પરવાનેદાર સાથે અવાર-નવાર ઘર્ષણ થતું હોવાથી રજુઆતો/ફરિયાદો પણ કરવામાં આવે છે. રાત્રીના સમયે રેતીનું વેચાણ થવાથી અંધારનો ગેરલાભ લઈ ગેરકાયદેસર રેતી વહનની પ્રવૃત્તિને ઉત્તેજન મળે છે. જેથી ગેરકાયદેસર રેતીનું વહન અટકે, જાહેર શાંતી અને સલામતી જોખમાય નહીં તેમજ રસ્તાઓમાં અકસ્માત ન થાય તે માટે જાહેર જનતાના હિતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના સમયે રેતી સ્ટોકનો પરવાનો ધરાવનાર દ્વારા થતા રેતીના વેચાણ ઉપર નિયમન કરવું જરૂરી જણાય છે. સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.ડી.ઝાલાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ આ જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.૧૮/૧૧/૨૦૨૦ સુધી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના સાંજના ૧૮-૦૦ કલાક થી સવારના ૬-૦૦ કલાક સુધી રેતીનું વેચાણ/રેતીના ટ્રક, ટ્રેકટર, ડમ્પર વગેરે વાહનો કે અન્ય રીતે હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. તથા ગુજરાત માઈન્સ એન્ડ મિનરલ એકટ અન્વયે રેતી ખનન સમયે તેમજ અન્ય તમામ કાયદા/ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

