
બુથ સશકિતકરણ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના જનહિતના નિર્ણયો અને યોજનાઓ અંગે સોશિયલ મીડિયા મારફત જાગૃતિ ફેલાવવા પર ભાર મુકાયો.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે તા.૧૩ એપ્રિલ, ગુરુવારે રાયસણ સ્થિત ભૈરવનાથ પાર્ટી પ્લોટ ખાતે શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખની બૃહદ્ બેઠક શહેર ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, વિવિધ મોરચા તથા સેલના પદાધિકારીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ, બુથ પ્રમુખ સહિત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, પ્રભારી મોહનભાઈ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણાએ વિવિધ સંગઠનાત્મક બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બુથ સશક્તિકરણ અભિયાનના વિષયમાં વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સૌ એ એક સૂરમાં જણાવ્યું હતું કે પ્રધાનમત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને અભૂતપૂર્વ નેતૃત્વ પૂરું પાડ્યું છે અને પ્રત્યેક ક્ષેત્રે દેશને આગળ વધાર્યો છે. ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગની ચિંતા કરી છે, દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી છે અને વિશ્વમાં ભારતનું માન સન્માન વધાર્યું છે તે બાબત દેશના નાગરિકોએ અનુભવી છે ત્યારે ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં જનતાના આશીર્વાદથી ભાજપનો પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક વિજય નિશ્ચિત છે. દેશના ગૃહ અને સહકાર મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી હોવા છતાં આપણા લોકલાડીલા સંસદ શ્રી અમિતભાઈ શાહે મતક્ષેત્રને દેશનો સૌથી વધુ વિકસિત સંસદીય વિસ્તાર બનાવવા માટે સતત સક્રિયતા દાખવી વિકાસની સરવાણી ફેલાવી છે ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર ઐતિહાસિક જનાદેશ સાથે તેમનો વિજય થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આજના સાંપ્રત સમયમાં સોશીયલ મીડિયા અતિમહત્વનું બન્યું છે ત્યારે ભાજપના સોશીયલ મીડિયા વિભાગના પ્રદેશ કો- ઓર્ડીનેટર ડો.પંકજભાઈ શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારના જનકલ્યાણકારી નિર્ણયો અને મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રચાર પ્રસાર વિવિધ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ ટ્વિટરના માધ્યમથી મહત્તમ રીતે કરી સરકારની કામગીરી જન જન સુધી પંહોચતી કરી જાગૃતિ ફેલાવવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત પ્રદેશ આઈ. ટી. વિભાગના સહ કન્વીનર મહેશભાઈ મોદીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિષય અંગે તેમજ નમો એપ વિષે માર્ગદર્શન આપ્યું હતું.