
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 109 જેટલા લાભાર્થીઓને સનદ અપાઈ
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધોઈ ગામે રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં આંતરિક જળ વિતરણ વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આધોઈ ગામે રૂ. 259.81 લાખના ખર્ચે વાસ્મો પુરસ્કૃત આંતરિક જળ વિતરણ વ્યવસ્થાના કામોનું ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સહિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પાણી માટે વ્યવસ્થાઓ ગામડે ગામડા સુધી કરવામાં આવી રહી છે તેનાથી ગામડાઓ ઝડપી સમૃદ્ધ બની રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે હંમેશા સરકાર પ્રયત્ન કરી રહી છે.
કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે.રાઠોડએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની બધી યોજના ગામડાના લોકોને મળી રહે તે માટે તેમને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ગામમાં જે 100 ચો.વાર પ્લોટની કિંમત રૂ.૨ લાખથી વધારે છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 109 લાભાર્થીઓને 100 ચો.વાર પ્લોટની મફત ફાળવણી કરવામાં આવી છે તે સરકારશ્રીની સરાહાનીય કામગીરી છે. 109 લાભાર્થી પૈકી 18 લાભાર્થી વર્ષ 202021ના, 7 લાભાર્થીઓ વર્ષ 2021- 22ના અને 84 લાભાર્થી વર્ષ 2022-23ના છે. જેઓને હક્ક મળતા બાંધકામ શરૂ કરી શકશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ આપવામાં આવતી સહાય લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે રૂ.૩૦,૦૦૦/-, રૂ.૫૦,૦૦૦/- અને રૂ.૪૦,૦૦૦/- આપવામાં આવે છે. પરંતુ લાભાર્થી દ્વારા આવાસ બાંધકામ ઝડપથી પૂર્ણ થાય તે હેતુસર વર્ષ ૨૦૨૨-૨૩ ના લક્ષ્યાંકમાં સામેલ લાભાર્થીઓને ચૂકવવામાં આવતી સહાયના હપ્તામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ લાભાર્થીઓને અનુક્રમે રુ.30000, રૂ 80000 અને રૂ 10,000 એમ કુલ ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવશે.
જો લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ ન હોય તો સરકારશ્રી તરફથી લાભાર્થીને ૧૦૦ ચો.વારનો પ્લોટ પણ ફાળવવામાં આવે છે. તદુપરાંત લાભાર્થી જો ૬ માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરે તો લાભાર્થીને સહાય ઉપરાંત મુખ્યમંત્રી અતિરિક્ત પ્રોત્સાહક સહાય હેઠળ રૂ.૨૦,૦૦૦/- પણ આપવામાં આવે છે. તેમજ જો આવાસની સાથે બાથરૂમનું બાંધકામ કરે તો સહાય ઉપરાંત બાથરૂમ બાંધકામ સહાય હેઠળ રૂ.૫,૦૦૦/- આપવામાં આવે છે. લાભાર્થીને આવાસનું બાંધકામ જાતે કરવા બદલ મનરેગા હેઠળ ૧૦૦ દિવસની સરકારશ્રીના વખતોવખતના નક્કી થયેલ મજૂરીના દરને આધારે રોજગારી ચૂકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત માત્ર આવાસની સાથે સાથે લાભાર્થીને જીવનની અન્ય પણ પાયાની સવલતો મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે, ઉજાલા યોજના હેઠળ વીજળીનું કનેક્શન, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન, નલ સે જલ યોજના હેઠળ પાણીનું કનેક્શન જેવી અન્ય યોજનાઓ સાથે સંકલન સાધીને લાભાર્થીને વધુમાં વધુ સરકારી લાભો આપવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વણવીરભાઈ રાજપૂત, બાંધકામ સમિતિ ચેરમેનશ્રી જનકસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મઘીબેન વાવીયા, રાપર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હમીરજી સોઢા, ભચાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, ભચાઉ એપીએમસી ચેરમેનશ્રી વાઘુભા જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય રૂપેશભાઈ આહીર, તાલુકા પંચાયતના સદસ્યશ્રી દેવરાજભાઈ પટેલ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સૂર્યવંશી, ભચાઉ મામલતદારશ્રી જે.એચ. પ્રાણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.જે.સોલકી, વાસ્મો યુનિટ મેનેજરશ્રી એચ.આઈ.પટેલ, અગ્રણી સર્વશ્રી નરેન્દ્રદાન ગઢવી, રાજુભા જાડેજા, અશોકસિંહ ઝાલા, વિકાસભાઈ રાજગોર, વાઘજીભાઈ છાંગા, ગંભીર સિંહ જાડેજા, લગધીરભાઈ મણકા, મહેશભાઈ સોનારા,આધોઈ સરપંચશ્રી રાજાભાઈ મણોદરા, કૃષ્ણદેવસિંહ જાડેજા વાઢિયા સરપંચ, રામપર સરપંચશ્રી માવજીભાઈ લાખા વાઘેલા, સરપચશ્રી રામદેવસિંહ જાડેજા, કપિલભાઈ સાધુ, બિહારી દાસ સાધુ, નવા કટારીયા સરપંચ, આધોઈ તલાટી-મંત્રીશ્રી આર.એમ.પટેલ, એલ.જે.પરમાર, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેવું નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રીની અખબારીયાદીમાં જણાવાયું છે.