

ઉત્થાન સંસ્થા અને અને ભાવનગર જિલ્લાના મહુવા, ઘોઘા અને ભાવનગર તાલુકાના ૨૪ ગામોની પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિઓના સંયુક્ત ઉપક્રમે તા. ૨૬ એપ્રિલ,૨૦૨૩ ના રોજ જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે જિલ્લા સ્તરીય પરામર્શનું આયોજન કરવામાં આવ્યું. પરામર્શનો હેતુ ગ્રામ પંચાયત વિકાસ યોજના (જીપીડીપી) ને સંમાવેશી, ન્યાયી અને સહભાગી બનાવવા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને ગ્રામ પંચાયત અને લોકો સાથે અસરકારક સંવાદ અને અનુભવોની આપ-લે કરવાનો હતો. આ પરામર્શમાં જિલ્લા સ્તરીય ઉચ્ચ અધિકારીઓ જેવાં કે ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી અને નિયામક શ્રી,ડીઆરડીએ, ભાવનગર, ઉત્થાન સંસ્થાના પ્રતિનિધિઓ, ૩ તાલુકાના ૨૪ ગામોના સરપંચ, ઉપસરપંચ, વહીવટદારો, કૃષિ સખીઓ, સમર્થન મહિલા સંગઠનના પ્રમુખ અને સભ્યોએ મળી લગભગ ૬૦ વ્યક્તિઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ઉત્થાન સંસ્થા દ્વારા દરિયાઈ વિસ્તારના ૨૪ ગામોમાં સહભાગી અને સમાવેશી પ્રક્રિયા દ્વારા ગ્રામ પંચાયત વિકાસ આયોજન તૈયાર કરવાની પ્રક્રિયા અને અનુભવોને ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવ્યું. પરામર્શમાં ઉપસ્થિત ડેપ્યુટી જીલા વિકાસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ગામોના સરપંચોને ૧૫ માં નાણાંપંચની ગ્રાન્ટ અને ગામ વિકાસના આયોજન, ડીઆરડીએ ના જાંબુચા સાહેબે ગામમાં વોર્ડ મુજબ પીઆરએ કરી સ્થાનિક માળખાઓના સહયોગથી મહિલાઓ અને વંચિતોની જરૂરિયાતોને અગ્રતાક્રમ આપવા પર, જિલ્લા શિક્ષણ અધિકારી – બોરિચા સાહેબ સમક્ષ સરપંચો અને આગેવાનો દ્વારા શાળાઓ મકાન, આધુનિક સાધનો, ગ્રાન્ટ અને અન્ય જરૂરિયાતોની માંગો અને પ્રશ્નોને સંબોધવાની પ્રતિબધ્ધતા દર્શાવી. જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ સાહેબે સજીવ ખેતી અને પેદાશીઓની મૂલ્યવૃધ્ધિ કરી તેના વિવિધ સ્તરે વેચાણ કરી ટકાઉ આજીવિકા વૃધ્ધિ પર ભાર મૂકી જે માટે જરૂરી કૃષિલક્ષી તાલીમો, સાધન સહાય અને સબસિડી અને માર્ગદર્શન આપવાની તૈયારી બતાવી. આમ તમામ વિભાગોના અધિકારીઓ સમક્ષ જે તે વિભાગ સંબંધિત પડકારો અને તે માટેની ભલામણોને મૂકવામાં આવી જેમાં પૂર્ણ સહયોગ આપવાની તેમણે તૈયારી બતાવી.