સતત બીજી ટર્મ માટે અધ્યક્ષ પદે વરાયેલા કેશુભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો

આજનો દિવસ કચ્છ જિલ્લા ભાજપ માટે બેવડી ખુશીઓ આપનારો બની રહયો હતો . એક તરફ સવારે મત ગણતરી કેન્દ્ર પર પ્રથમ રાઉન્ડથી જ અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રધ્યમનસિંહ જાડેજા એકધારી સરસાઈથી એક ઐતિહાસીક જીત તરફ આગળ વધતા જણાતા હતા જયારે બીજી તરફ જેમની સાદગી , સૌમ્યતા અને સંગઠન પ્રત્યેની પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવનાના ફળ સ્વરૂપે રાષ્ટ્રના સૌથી વિશાળ જિલ્લા કચ્છના ભારતીય જનતા પાર્ટીના ગૌરવવંતા અધ્યક્ષપદે સતત બીજી વખત વરાયેલા કેશુભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાઈ રહયો હતો . આજરોજ કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ભુજ ખાતે યોજાયેલ આ અભિવાદન સમારોહમાં રાજયમંત્રી વાસણભાઈ આહિર , સાંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્યો ડો.નિમાબેન આચાર્ય , વિરેન્દ્રસિંહ જાડેજા , માલતીબેન મહેશ્વરી , જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા , પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી , મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ સહિતના જિલ્લાભરમાંથી આવેલા પક્ષના હોદેદારો અને કાર્યકરોએ પુનઃ નિયુકત જિલ્લા અધ્યક્ષનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા . સૌ કાર્યકરો વતી માનવંતુ સન્માન મેળવીને ભાવ વિભોર બનેલા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે , મારા જેવા અદના કાર્યકરને જિલ્લા ભાજપનું પુનઃ એક વખત સુકાન સોંપીને પક્ષે મને જીવનભર શણી બનાવ્યો છે . ભાજપ એક માત્ર એવો રાજકીય પક્ષ છે જયાં સતા કરતા સેવાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે . પક્ષ દ્વારા મળેલી જવાબદારી તો એક વ્યવસ્થાનો ભાગ માત્ર છે પરંતુ વાસ્તવમાં જનસેવા અને રાષ્ટ્રવાદનો સાક્ષાત્કાર કરીને આ સમાજ અને રાષ્ટ્રના ઉધ્ધાર માટે નિકળી પડેલા લાખો કર્મઠ કાર્યકર્તાઓ પક્ષ માટે ખરા અર્થમાં યથાર્થ અને મજબૂત આધારસ્તંભ સમાન છે . અંત્યોદયની પ્રેરણા અને સમભાવ અને સમતોલ વિકાસની ઉચ્ચ આદર્શ પ્રણાલી ધરાવતા ભારતીય જનતા પક્ષનો એક હિસ્સો હોવાનું હું ભારે ગૌરવ અનુભવું છું . વધુમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ અને આગેવાનોને સંબોધીને કેશુભાઈએ જણાવ્યું હતું કે , આપે મને હંમેશા ખૂબ પ્રેમ અને સહયોગ આપ્યો છે જેના વર્ણન માટે મારી પાસે કોઈ શબ્દો નથી પરંતુ આજના પ્રસંગે હું આપ સૌને જણાવીશ કે આપ સૌ એક મહાન વિચારધારાના અંગ સમાન છો ત્યારે પક્ષની ભવ્ય પ્રણાલી અને સંગઠન શકિતના આપ સદૈવ ચેતનવંતા વાહક બનો અને હર હંમેશ કચ્છની જનતાની પડખે ઉભા રહો અને પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે આપણે સૌ પણ દુઃખની લાગણી અનુભવીએ એ ખૂબ અગત્યની બાબત ગણાશે . આજે અબડાસામાં મળેલી જીત તો એક દીર્ઘ યાત્રાની શરૂઆત છે . આગામી દિવસોમાં આપણે સૌ એક જૂટ થઈને આવી જબરદસ્ત સંગઠન શકિતનું પ્રદર્શન કરીને સ્થાનિક સ્વરાજય સહિતની આગામી ચૂંટણીઓમાં પણ શાનદાર પરિણામો પ્રાપ્ત કરશું એમાં શંકાને કોઈ સ્થાન નથી . કાર્યક્રમના અંતે અબડાસા વિધાનસભામાં પક્ષના વિજેતા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પક્ષના શિર્ષસ્થ અગ્રણીઓ અને સમર્થકો સાથે વાજતે ગાજતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જયાં તેમને હર્ષભેર વધાવાયા હતા તેમજ સૌ ઉપસ્થિતો દ્વારા તેમનું પણ સન્માન કરીને તેમને શુભેચ્છાઓ અપાઈ હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM