



૩૬-GNPL નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ક્રિકેટની ૧૫૪ ટીમ અને વોલીબોલની ૩૪ ટીમ ખેલદિલી સાથે ટકરાશે
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલ દ્વારા આયોજિત ૩૬-GNPL(ગાંધીનગર નોર્થ પ્રીમિયર લીગ) નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનો રંગારંગ શુભારંભ ૨ મે ૨૦૨૩, મંગળવારે સાંજે ૭.૩૦ કલાકે રામકથા મેદાન, સેકટર ૧૧ ખાતે રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ ગૃહ અને રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સ્ટેજ પરફોર્મન્સ અને આતશબાજી સહિતના કાર્યક્રમોથી કરવામાં આવશે. પ્રોત્સાહન અને પારિવારિક મનોરંજન સાથે આયોજિત ૩૬-GNPLની પ્રથમ સિઝનમાં ક્રિકેટની પુરુષોની ૧૩૬, મહિલાઓની ૧૮ ટીમ સહિત કુલ ૧૫૪ ટીમ તેમજ વોલીબોલની પુરુષોની ૨૪ અને મહિલાઓની ૧૦ ટીમ સહિત કુલ ૩૪ ટીમ ખેલદિલી સાથે ટકરાશે.
૩૬-GNPL અંગે વધુ માહિતી આપતા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું છે કે, આ ટુર્નામેન્ટમાં યુવાનો તો ઉત્સાહભેર ભાગ લઈ જ રહ્યા છે પરંતુ આ ઉપરાંત તબીબો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટન્ટસ, વિવિધ ક્ષેત્રના વેપારીઓ, વિવિધ સમાજની ટીમો, પત્રકાર મિત્રો, આર્મી અને પોલીસના જવાનો, સરકારી કર્મચારીઓ, મેડીકલ ક્ષેત્રની મહિલાઓ, ગૃહિણીઓ પણ ૩૬- ગાંધીનગર નોર્થ પ્રીમિયર લીગમાં પોતાનું નસીબ અજમાવશે. એક જ વિધાનસભા ક્ષેત્રમાંથી જ ૧૮૮ ટીમ સાથે ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટના આયોજન બાબતે ૩૬-GNPL દ્વારા રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે. મહિલાઓની ટીમને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે.
શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું છે કે, ૩૬- GNPL ના મંચ પર ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસ્તારમાં રહેતા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ ધરાવતા રમતવીરો તેમજ ધાર્મિક સંતો, સામાજિક અગ્રણીઓને આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ તેમના હસ્તે ટોસ કરાવવામાં આવશે. ટુર્નામેન્ટને મનોરંજનથી ભરપૂર તેમજ વધુ રસપ્રદ બનાવવા LED સ્ક્રીન, લાઈવ પ્રસારણ, રિપ્લે, લાઈવ કૉમેન્ટરી તેમજ મ્યુઝિક સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુર્નામેન્ટ દરમિયાન દર્શકો અને ખેલાડીઓને ભરપૂર મનોરંજન મળી રહે તે પ્રકારે ૩૬-GNPL નું આયોજન કરવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટની જાહેરાત થઈ ત્યારથી જ રમતપ્રેમીઓએ ખુબ જ આવકાર આપ્યો છે અને ટીમ રજીસ્ટ્રેશન ખુબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે ૩૬-GNPL ની પ્રથમ સીઝન ને યાદગાર અને પારિવારિક મનોરંજનથી ભરપૂર બનાવવા અમારા તરફથી પૂર્ણ પ્રયાસ કરવામાં આવશે અને દર વર્ષે ૩૬-GNPL નું ભવ્ય આયોજન કરવામાં આવશે તેમ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું છે.
