હીટ વેવથી બચવા માટે આટલું જરૂર કરો

રિપોર્ટ, મયુર પટેલ

રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે.
હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું. વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઇએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવાર અને બપોરે કરવો જોઈએ.
લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું.
માથું દુ:ખવું, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.
ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું. મરઘાઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *