




રિપોર્ટ મયુર પટેલ
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલના દિશાનિર્દેશ હેઠળ કોઈ પણ ખેડૂતોની ખાનગી જમીન સંપાદન કે ઉપયોગ કર્યા વિના સરકારી જમીનોનો ઉપયોગ થાય એવા અભિગમ સાથે હજીરાથી ગોથાણ સુધીની ૫૦ કિમીની બ્રોડગેજ રેલ્વે લાઈનને વિશેષ યોજનારૂપે મંજૂર કરવામાં આવી છે. આ નવી પરિયોજના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વડપણ હેઠળ જમીન સંપાદન અંગે અધિકારીઓ સાથે યોજના સંદર્ભે પરામર્શ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારના પરિણામે તેમજ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલના દિશાનિર્દેશ અને સામૂહિક પ્રયાસોના લીધે ઘણા વર્ષો બાદ આ યોજનાને વિશેષ દરજ્જો આપીને મંજૂર કરવામાં આવી છે. જેના કારણે હજીરા પોર્ટને રેલ્વે કનેક્ટિવિટી મળશે, સાથે લોજિસ્ટીક ખર્ચ અને રોડ પરનું ભારણ ઘટશે. ઉદ્યોગો સાથે ખેતીનું સંતુલન જળવાઈ રહે તે માટે હજીરાથી ગોથાણ સુધીની રેલ્વેલાઈન નાખવા માટે સરકારી જમીનોનો વધુ ઉપયોગ કરવામાં આવનાર છે, જયારે ખેડૂતોની ઓછામાં ઓછી ખાનગી જમીનો સંપાદિત થાય તે રીતે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે ખેડૂતોની ખાનગી જમીનો સંપાદિત ન થાય એ માટે રેલ્વેલાઈનને દામકા, વાંસવા સુધી ચાર કિમી જેટલો ફેરાવો લઈને હજીરા સુધી લઈ જવામાં આવશે. સરકારી જમીનો, ક્રિભકોની જમીનો રેલ્વે એક્ટ મુજબ સંપાદિત કરવામાં આવશે, જે અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવનાર હોવાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, રેલ્વેના ડી.આર.એમ.શ્રી જિતેન્દ્ર સિંગ, પ્રાંત અધિકારીશ્રી જી.વી.મિયાણી, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, મહાનગરપાલિકા તથા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.