મુન્દ્રાની બી.એડ. કોલેજમાં 100 શિક્ષકોએ ક્લાઈમેટ ચેન્જની તાલીમ મેળવી

વેકેશન દરમ્યાન યોજાયેલ તાલીમમાં તજજ્ઞો દ્વારા પર્યાવરણ બચાવવા શિક્ષકની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી

તાજેતરમાં મુન્દ્રાની શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.ડી. શેઠિયા બી.એડ. કોલેજમાં આઈ.આઈ.ટી.ઈ. પ્રશિક્ષણ કેન્દ્ર ગાંધીનગર આયોજિત ક્લાઈમેટ ચેન્જ અંગે 100 શિક્ષકોને વેકેશનમાં યોજાયેલ તાલીમમાં તજજ્ઞો દ્વારા પર્યાવરણ બચાવવા એક શિક્ષકની ભૂમિકા અંગે ચર્ચા કરીને સમાજને સુંદર પર્યાવરણ આપવા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
તાલીમની શરૂઆતમાં હેતલબેન અને મીનાક્ષીબેન દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ.વી. ફફલ દ્વારા પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ અંગે આછેરી ઝલક આપવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસરે સંસ્થાનો પરિચય આપ્યો હતો. ટ્રસ્ટના ખજાનચી હિમતભાઈ ગણાત્રાનું સ્વાગત પ્રો.ડો. કૈલાશભાઈ નાંઢાએ કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપક ડો. દિપકભાઇ પંડ્યા દ્વારા ચાર સત્રમાં યોજાનાર તાલીમના હેતુની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
આબોહવા પરિવર્તન પરિચયના પ્રથમ સત્રમાં તજજ્ઞ ડો. જે.જે. રાવલ દ્વારા ખગોળશાસ્ત્ર મંડળના ગ્રહો વિશે દ્રશ્યો બતાવી વિસ્તૃત સમજણ આપતા પ્રકૃતિના તત્વોનો મનુષ્ય દ્વારા થતો વિનાશ અને તેને બચાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીજા સત્રમાં ડો. પી. કે. મહેતાએ ક્લાઈમેટ ચેન્જનો બેઝિક ખ્યાલ સ્પષ્ટ કરતા ગ્રીન હાઉસ ઇફેક્ટની સમજણ આપતા વાતાવરણમાં કાર્બનના વધારાની અસરો અંગે પ્રકાશ પાડ્યો હતો.
આબોહવા પરિવર્તન અને જીવનશૈલી અંગેના ત્રીજા સત્રમાં ડો. અતુલભાઈ કનૈયાએ વેદો અને ઉપનિષદોમાં પર્યાવરણ અને સૃષ્ટિનું મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આબોહવા પરિવર્તનના નિવારણ અને અનુકૂલન અંગેના ચોથા સત્રમાં ડો. વી. વિજયકુમારે ગ્લોબલ વોર્નિંગ અને કચ્છના વિવિધ સ્થળોએ ક્લાઈમેટ ચેન્જની અસરોની માહિતી સભર ચર્ચા કરતા આવનારા સમયમાં પર્યાવરણ બચાવવા અંગેની ચિંતા કરવાની જવાબદારી શિક્ષકોને સોંપતા વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રેનિંગ કો-ઓર્ડીનેટર પ્રો.ડો. હિતેશભાઈ ડી. કગથરાએ કર્યું હતું જ્યારે આભારવિધિ પ્રો.ડો. દિનેશભાઇ પટેલે કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *