રિપોર્ટ, મયુર પટેલ

માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ અને દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ કરી સેવાભાવના સાથે કુંવરજીભાઈએ જન્મદિવસની ઉજવણી કરી



જાગૃત્ત નાગરિકો વધુમાં વધુ રક્તદાન કરી જરૂરિયાતમંદોને જીવનદાન આપે : મંત્રી કુંવરજીભાઈ હળપતિ





આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના ૫૭મા જન્મદિવસ નિમિત્તે માંડવીના ફોરેસ્ટ ટેસ્ટ હાઉસ હોલ ખાતે આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં માંડવી નગરના રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૧૬૩ બોટલ રક્ત એકત્ર થયું હતું.
જન્મ દિવસ ઉજવણીને સેવાકીય પ્રવૃતિ સાથે જોડી ‘જનસેવા એ જ પ્રભુસેવા’ની ઉમદા ભાવનાને ચરિતાર્થ કરતા મંત્રીશ્રીએ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના આંગણાંમાં વૃક્ષારોપણ અને દાખલ દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કર્યું હતું, અને દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા અને સૌના ઝડપભેર સ્વસ્થ થવાની કામના કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મંત્રી નહીં, પણ સામાન્ય જનસેવક તરીકે વિકાસકામો અને સામાજિક કાર્યોને પ્રાધાન્ય આપ્યું છે. માંડવીમાં પ્રથમ વખત એક સાથે ૧૫૬ યુગલોના સમૂહ લગ્ન સમારોહ યોજી સમૂહ લગ્ને પ્રોત્સાહન મળે તેમજ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનો આર્થિક બોજ હળવો થાય એવા પ્રયાસો કર્યા છે. જન્મ દિવસ રક્તદાતાઓના ઉત્સાહથી યાદગાર બન્યો છે એમ જણાવી જાગૃત્ત નાગરિકો વધુમાં વધુ રક્તદાન કરી જરૂરિયાતમંદોને જીવનદાન આપે એવી ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી, બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી શુકલા, મઢી સુગરના ડિરેક્ટર દિનેશભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ નટુભાઈ રબારી, ગણેશભાઈ ગામીત, અનિલભાઈ, જિગ્નેશભાઈ, કાઉન્સીલરો, સરપંચો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.