
રિપોર્ટ, મયુર પટેલ
કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો: નાણાં વિભાગ ડેપ્ય્યુટી સેક્રેટરી જી.બી.ઝાલા



દાતાઓના સહયોગથી પ્રવેશ મેળવનાર બાળકોને સ્કુલબેગ, નોટબુક, ફળો, રમકડાની કીટ આપી પ્રોત્સાહિત કરાયા



રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે નાણાં વિભાગના ડેપ્યુટી સેક્રેટરીશ્રી જી.બી.ઝાલાએ મહુવા તાલુકાના વેલણપુર ગામની પ્રાથમિક શાળા અને સણવલ્લા ગામની નાયકી ફળીયા સણવલ્લા પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર કુલ ૨૭ ભૂલકાઓને વાજતે-ગાજતે પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને કુમકુમ તિલક અને ચોકલેટથી સ્વાગત કરી પ્રા.શાળાના ભૂલકાઓને દાતાઓના સહયોગથી મળેલા સ્કુલબેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપીને બાળકોને શાળામાં આવકાર્યા હતા.
આ પ્રસંગે ડે.સેક્રેટરીશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો છે એમ જણાવી ઉમેર્યું કે, ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાત્તભાવથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને પરિણામે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો ૧૦૦ ટકાની ખુબ જ નજીક પહોંચ્યો છે અને તેની સામે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.
શાળાપ્રવેશોત્સવથી રાજ્યના શિક્ષણને નવી દિશા મળી છે. વાલીઓ ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે જાગૃત્ત બન્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ શ્રી ઝાલાએ આમનાગરિકોનો આભાર માન્યો હતો.
આ વેળાએ શ્રી ઝાલાએ શાળાઅભ્યાસમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારા બાળકોને ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે બી.આર.સી. કોઓર્ડીનેટરશ્રી હિતેન્દ્ર પટેલ, શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો, આંગણવાડીના સભ્યો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.