
ભારતીય સંસ્કૃતિ યોગની જનની છે અને વિશ્વભરમાં યોગને ઓળખ અપાવવામાં ભારતની અગ્રિમ ભૂમિકા રહી છે ત્યારે પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ યોગદિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે ગઈ કાલે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં યોગના વિશાળ આયામ વિશે પત્રકારોને જણાવ્યું હતું. ભારતની ભૂમિકા એક શિક્ષકની છે. યોગને પૂરા વિશ્વમાં ઇન્ટ્રોડ્યુસ ભારતે કર્યું છે તો આગળનું નોલેજ આપવાની જવાબદારી પણ ભારતની છે. આજે યોગની વાત આવે ત્યારે બધે જ માત્ર યોગાસનની જ ચર્ચા હોય છે, જ્યારે કે આસન તો અષ્ટાંગ યોગનું એક પગથિયું જ છે.
પૂજ્ય સ્વામીજીએ જી-૨૦ સંમેલનના ઘોષ વાક્ય વસુધૈવ કુટુમ્બકમ્’ પર સમજાવતાં કહ્યું કે કોઈ એવો મંત્ર, ગ્રંથ, દેવતા કે ભાષા નથી જેને આખા વિશ્વમાં માન્યતા પ્રાપ્ત હોય. એક જ માધ્યમ છે જે આખા વિશ્વમાં લોકોને જોડી શકે છે તે છે યોગ. યોગથી શરીરભાવ સમાપ્ત થાય છે અને આત્મભાવ વૃદ્ધિગત થાય છે. જીવનની જેટલી પણ સમસ્યાઓ છે, એ બધી જ શરીર સાથે સંબંધિત છે. યોગ દ્વારા શરીરભાવ ઓછો થવાથી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
જેમ ખેતરમાં કાંઈ ઉગાડવા માટે બીજ જોઈએ, એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ એ વાત લાગુ પડે છે. આત્મસાક્ષાત્કારી સદ્ગુરુના સાંનિધ્યમાં આત્મસાક્ષાત્કાર થાય પછી નિયમિત ધ્યાનસાધના કરવાથી ધીરે ધીરે આપણા સહુની ભીતર રહેલ ઈશ્વરનો અંશ આત્મા સાથે આપણો સંબંધ ગાઢ બને છે અને જીવન આત્મનિયંત્રિત થવા લાગે છે.
કોઈ તીર્થસ્થળ પર દર્શન કરવા જઈએ ત્યારે કઈ ઘટના ઘટિત થાય છે તેના પર પ્રકાશ પાડતાં પૂજ્ય સ્વામીજીએ માર્ગદર્શન આપ્યું કે ત્યાં રહેલ મૂર્તિમાં એની પ્રાણપ્રતિષ્ઠા વખતે જે-તે ગુરુએ એમની અંતર્મુખી સ્થિતિ પૂરી હોય છે. એના પ્રભાવમાં ભલે ક્ષણવાર માટે કેમ ન હોય, આપણે પણ અંતર્મુખી થઈને આપણી જ ભીતર રહેલ આત્માના સાંનિધ્યમાં જતા રહીએ છીએ. એટલે આપણને સારું લાગે છે. આત્મસાક્ષાત્કાર બાદ યોગમાં, ધ્યાનમાં આ જ સ્થિતિ આપણી સાથે ઘટિત થાય છે.
ડોક્ટર્સને યોગની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું કે ડોક્ટર્સને ધ્યાનની ખૂબ જરૂરત છે, કેમ કે એમનું ચિત્ત સતત દર્દીના શરીર પર હોય છે. શરીર નાશવાન છે, તો એના પર સતત ચિત્ત રહેતા ચિત્ત પણ નષ્ટ થાય છે. નિયમિત ધ્યાનના અભ્યાસથી ચિત્ત સશક્ત બનાવી શકાય છે. આજે વિજ્ઞાનના યુગમાં ઓરા / આભામંડળ માપવાના વિવિધ કેમેરા દ્વારા કોઈ પણ વ્યક્તિની, ગુરુની આધ્યાત્મિક સ્થિતિ જાણી શકાય છે. કોઈ એક ગુરુનું પતન થાય તો લાખો લોકોની શ્રદ્ધા તૂટે છે, લાખો લોકોનું નુકસાન છે. પરંતુ જો પ્રત્યેક ગુરુ પોતાના આભામંડળનો રિપોર્ટ કરાવે તો પતન પૂર્વે સંભાળી શકાય છે.
યોગને લગતાં અનેક આધ્યાત્મિક વિષયો પર પૂજ્ય સ્વામીજીએ માર્ગદર્શન આપ્યા બાદ સહુને ધ્યાન પણ કરાવ્યું હતું તથા મીડિયાની આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા શ્રી હીરેનભાઈ કોટકે સંભાળી હતી. અલગ-અલગ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
યોગદિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી સંગ પ્રેસ કોન્ફરન્સ આયોજિત થઈ.