
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (KCCI)ના સહયોગથી આંતરાષ્ટ્રીય મિલેટ્સ યરની ઉજવણીના ભાગપરૂપે ‘ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો’ વિષય પર ‘B2B’ અને ‘B2G’ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અથાક પ્રયત્નોથી સમગ્ર વિશ્વે આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર તરીકે ઊજવવાનું સ્વીકાર્યું છે, એ ભારત દેશ માટે એક ગૌરવની વાત છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશના ખેડૂતોની આવક ડબલ થાય અને ખેડૂત સમૃદ્ધ થાય અને દેશ ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર બને એ દિશામાં આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે. એટલું જ નહીં, દેશને આત્મનિર્ભર બનાવી આ દેશની ઇકોનોમી ૫ ટ્રિલયન ડોલર કરવાની શ્રી નરેન્દ્રભાઇ મોદીની જે કલ્પના છે, એમાં આ ફૂડ પ્રોસસિંગ ઉદ્યોગ ખૂબ મોટો ભાગ ભજવશે અને એમાં ગુજરાતમાં અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ કૃષિ મંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે એગ્રો ઇન્ડસ્ટ્રીની વાત કરતા કહ્યું કે, એગ્રો ઇન્ડિસ્ટ્રીનું ડેવલોપમેન્ટ અને એગ્રો પ્રોડક્શનને કેવી રીતે વેલ્યૂ એડિશનમાં રૂપાંતરિત કરવું અને ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ વધુમાં વધુ શરૂ થાય એ દિશામાં સરકાર સતત પ્રયાસો કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર આ ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકોને મદદ અને સહયોગ આપી રહી છે. રાજ્ય સરકારનો ધ્યેય છે કે આ ક્ષેત્રમાં વધુમાં વધુ ઉદ્યોગકારો આવે અને એગ્રો ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે વધુમાં વધુ પ્રોસેસિંગ યુનિટ ગજરાતમાં સ્થાપે, જેથી કરીને આ ક્ષેત્રમાં વધુમાં વધુ નિકાસ કરી શકીએ. એટલું જ નહીં, રાજ્ય સરકાર બાગાયતી પાકોના નિકાસ માટે પણ તમામ પ્રકારની મદદ કરી રહી છે એમ કૃષિ મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ ખેડૂત, ખેતી અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે જે પ્રયાસો કર્યા છે એ ના ભૂતો, ના ભવિષ્ય છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની પ્રેરણા મળે એ માટે કૃષિ મેળા અને કૃષિ રથનું આયોજન કરાવીને ગામડે –ગામડે અને ઘરે-ઘરે વૈજ્ઞાનિકો જાય અને ખેડૂતોને કૃષિમાં કેવી રીતે સારું બિયારણવાળું ઉત્પાદન મળી રહે તે માટેના માર્ગદર્શનના અનેક કાર્યક્રમો કર્યા છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કૃષિ-ખેતી ક્ષેત્રે ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતોનું ઉત્પાદન વધે, ગુણવત્તામાં સુધારો થાય એવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેતી ક્ષેત્રે ગુજરાત આખા દેશમાં નંબર વન બને એવા ભગીરથ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું કે, ગુજરાત એવું રાજ્ય છે, જ્યાં ઉદ્યોગો માટે શાંતિ અને સલામતી અને સુરક્ષા છે. એટલું જ નહીં, શ્રી નરેન્દ્ર મોદીના અથાક પ્રયત્નોથી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી ઘંધા-રોજગાર માટે ઉદ્યોગ સ્થાપવા માટે સમગ્ર દેશમાં ગુજરાત એક પસંદગીનું સ્થળ બનીને ઊભરી આવ્યું છે.
મિલેટ્સ પર વાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું કે, મિલેટ્સ – ધાન્ય પર સૌથી વધુમાં વધુ ભાર મુકાય તો એ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ છે. આખું વિશ્વ આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર તરીકે ઊજવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે કૃષિ બજેટમાં પૂરતી નાણાકીય ફાળવણી પણ કરી છે. એટલું જ નહીં, આ ધાન્ય માટે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટેના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આંતરાષ્ટ્રીય મિલેટ્સ યરની ઉજવણીના ભાગપરૂપે અમદાવાદમાં આ ક્ષેત્રના તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી એવી મીટ યોજવા બદલ આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
અમદાવાદમાં ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (KCCI)ના સહયોગ ‘ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો’ વિષય પર આયોજિત ‘B2B’ અને ‘B2G’ મીટમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના એડિશનલ સેક્રેટરી શ્રી સનોજ કુમાર જ્હા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એચ.શાહ, નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ઼સ્ટ્રીના સેક્રેટરી જનરલ શ્રી ભરત પટેલ, ફૂડ પ્રોસેસિંગ કાઉન્સિલ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેમરમેન શ્રી ધવલ રાવલ તેમજ ઉદ્યોગસાહસિકો અને સખીમંડળની બહેનો તેમજ મોટી આ ક્ષેત્રે સંકલાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.