

મહેસાણા: ઊંઝા શહેરમાં આશરે 300 વર્ષો જૂનું શહેર મધ્યમાં આવેલ ગામતળાવ અમૃત સરોવરનું આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ઋષિકેશભાઇ પટેલે રૂ. ૭ .૭૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર તળાવના રિજુવેશન અને બ્યુટીફિકેશન કામનું ભૂમિપૂજન કર્યું હતુ.
રૂ.૭.૭૮ કરોડના ખર્ચે થનાર વિકાસ કામોનું ભૂમિપૂજન કરતા આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે,” આ ગામતળાવ ઊંઝાનું આકર્ષણ કેન્દ્ર બને અને સર્વપ્રિય પ્રવાસન સ્થળ બને તેવા પ્રયાસો સરકારના છે અને આ માટે જોઈએ તો સરકાર વધારે સહાય પણ કરશે. મા ઉમિયાજીના ધામ ઊંઝામાં વેપારીની સાથે વિકાસની દ્રષ્ટિએ આપણે નોંધનીય છીએ. વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના પ્રતિક સમાન નવા સંસદ ભવનને દેશને અર્પણ કર્યું છે ત્યારે સનાતન સંસ્કૃતિ સાથે પ્રવાસન સ્થળો, આસ્થા કેન્દ્રના સ્થળોની સાથે પ્રજાલક્ષી વિકાસ કામોને વિકસાવવાનું કામ પણ સરકાર કરી રહી છે. ઊંઝા શહેરમાં પ્રાચીન આ ગામ તળાવને વિકાસના પગલે તે લોકપ્રિય પ્રવાસન સ્થળ બની રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ તકે ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ,” અમૃત સરોવર આ ગામ તળાવના વિકાસથી ગામનું આકર્ષણ વધશે તેમજ નાગરિકોને ગમતું પ્રવાસન સ્થળ પણ વિકસશે. સરકાર વિકાસ માટે સામેથી આયોજન કરતી રહે છે ત્યારે નગરજનોની પણ ફરજ છે કે આપણા ધાર્મિક તેમજ જાહેર સ્થળોને સ્વચ્છ રાખીને ગામને ઉત્તમ બનાવીએ.
આ તકે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પણ શુભેચ્છા સંદેશા દ્વારા જણાવ્યું હતું કે,” માં ઉમિયાના ઉમિયા સંસ્થાન અને જીરા તેમજ મસાલા ઉદ્યોગોથી પ્રખ્યાત ઊંઝાને વિકાસકામો પ્રવાસન થી પણ પ્રખ્યાત કરીએ તેમજ જાહેર સ્થળોને સર્વપ્રિય બનાવવાની જાળવણી કરીએ....
આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ કે પટેલ ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીંકુબેન પટેલ તેમજ દંડક મહેશભાઈ પટેલ શાસક પક્ષના નેતા નર્મદાબેન ઠાકોર કારોબારી કમિટીના ચેરમેન પ્રિતેશકુમાર પટેલ બાંધકામ કમિટીના ચેરમેન રાજેશકુમાર પટેલ ઉપર પ્રમુખ અલ્પેશકુમાર પટેલ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર રવિકાંત પટેલ તેમજ ઊંઝા તાલુકાના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.