ગાંધીનગર તાલુકાના ૫૮ ગામોમાંથી એકત્રિત કરાયેલી આ માટીને દિલ્હીના કર્તવ્યપથ ખાતે નિર્માણ પામનાર અમૃત વાટિકામાં લઈ જવાશે






‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર તાલુકાના ૫૮ જેટલા ગામોમાંથી એકત્રિત કરાયેલી માટીને અમૃત કળશ યાત્રા યોજીને તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવી હતી. ગાંધીનગર તાલુકાના ગામોમાંથી એકત્રિત કરાયેલી આ માટીને દિલ્હીના કર્તવ્યપથ ખાતે લઈ જઇ અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. ગાંધીનગરના સેક્ટર-12ના ઉમિયા માતાના મંદિર ખાતેથી અમૃત કળશ યાત્રા શરુ કરાઇ હતી. કળશ યાત્રામાં તમામ ગામોની માટીના અમૃત કળશને તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા તેમજ આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજવા માટે આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં ગામડે ગામડે સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરના ગામડાઓમાંથી માટી એકઠી કરીને તાલુકામથકે એકત્રિત કરવામાં આવી રહી છે. જેને દિલ્હીના કર્તવ્યપથ ખાતે નિર્માણ પામનાર અમૃતવાટિકામાં ભેળવી દેવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ તો બનશે જ સાથે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે આપણા સૌની સાચી શ્રદ્ધાંજલિ હશે.
ગાંધીનગર તાલુકાના 58 ગામોની અમૃત કળશ યાત્રાનો આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. અમૃત કળશ યાત્રામાં બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ભરતસિંહજી ઠાકોર, ૫૮ ગામના સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, એન.એસ.જી કમાન્ડો, બી.એસ.એફના જવાનો પોલીસ કર્મચારીઓ ઉપરાંત નહેરુ યુવા કેન્દ્રના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.