







કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના હેતુસર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નિંદવાડા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વંચિતોના બેલી છે. વંચિતોનો વિકાસ થાય તે તેમની પ્રાથમિકતા છે. જેના કારણે જ દેશભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેના થકી છેવાડાના ગામો સુધી પહોચી જન જન સુધી સરકારી યોજનાનો લાભ પહોચાડવામાં આવી રહ્યો છે. મંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો કે, મોદીજીની વિકસિત ભારત યાત્રાની ગેરંટી વાડી ગાડી એટલે ઘર બેઠી ગંગા.તેમણે તમામ યોજનાનો લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું. વધુમાં વડાપ્રધાનશ્રીએ વિશ્વકર્મા, લખપતિ દીદી યોજના, નમોડ્રોન દીદી યોજના સહિત અનેક જનકલ્યાણકારી યોજના અમલમાં મુકી છે. વિવિધ સમુદાયના વિકાસમાં વડાપ્રધાનશ્રી નો સિંહ ફાળો રહ્યો છે. તેમણે ૨૦૪૭ સુધી આપણો દેશ વિકસિત બને તે દિશામાં સક્રિય ભાગીદારી નોંધાવી ૧૮-૧૮ કલાક કામ કરી રહ્યા છે ત્યારે આપણે પણ દેશના વિકસમાં સહભાગી બનીએ એમ ગ્રામજનોને આહવાન કર્યું હતું.
અંતે તેમણે બાળકો દ્વારા પ્લાસ્ટીકના ઉપયોગ ટાળવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે રજુ કરેલ નાટક અંગે સરાહના કરી ગ્રામજનોને આ બાળકો પાસેથી શિખ મેળવવા અને ધરતી માતાને ઝેરમુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદિપ ગાયકવાડે જણાવ્યું હતું કે, રાજય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓમાં 100 ટકા સિધ્ધિ હાંસલ કરી શકીએ તે હેતુસર પ્રારંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સોનગઢના નિદંવાડ ગામે આવી છે તો તમામ ગ્રામજનોને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક સંદશાની વિડિયો ક્લીપ નિહાળી હતી. મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપતા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.અંતે સૌએ ડ્રોન નિદર્શન પણ નિહાળ્યું હતું.
નિંદવાડા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત, આદિવાસી નૃત્ય રજુ કરી સૌનું મન મોહી લીધુ હતું. લીંબી ગામના બાળકો દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશ આપતું ‘વસુધૈવ કુટુંબકમ’ નુક્કડ નાટક રજુ કર્યું હતું. ખેરવાડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરા ઓ ધરા” નામથી પ્લાસ્ટીકના ઉપયોગને ટાળવા નાટક રજુ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ તમામ બાળકોને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી નેહા વસાણી,સોનગઢ મામલતદારશ્રી નલીની ચાંપાનેરીયા, સોનગઢ તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.ગાવીત, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ પદાધિકારીઓ,અનેક ગામોના સરપંચશ્રીઓ, આરોગ્ય કર્મચારીઓ, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.