
આજે સમગ્ર ભારત દેશ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરના થનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે કરવામાં આવશે. બીજી તરફ આ ઐતિહાસિક પળના ભાગીદાર થવા માટે ૨૨ જાન્યુઆરી, સોમવારના દિવસે દેશના દરેક ગામ અને શહેરમાં ભગવાન શ્રીરામના જીવન આધારિત નાટકો, શોભાયાત્રા, ભજન, રામકથા, રામધૂન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા આ ઐતિહાસિક પળમાં સહભાગી થવા તારીખ ૨૨ જાન્યુઆરીના દિવસે યુનિવર્સિટી ખાતે ‘દીપોત્સવ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ૧,૫૧,૧૧૧ દીપ પ્રગટાવીને કરવામાં આવશે. નુતન સ્કૂલ તથા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ પ્રભુ શ્રીરામના જીવન ચરિત્રની અનુભૂતિ કરાવતી નાટયાવલી રજૂ કરશે. આ ઉપરાંત દેશના જાણીતા અને ખ્યાતનામ કલાકાર અક્ષય પટેલ, ભરત બારીયા અને તેમના ગ્રૂપ ‘નૃત્યાવલી’ દ્વારા વસુધૈવ કુટુંબકમની દિવ્ય મહાઆરતી તથા શ્રીરામ ઉત્સવ નૃત્ય નાટિકા નૃત્યાવલી કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ, વિદ્યાર્થીઓમાં પશ્ચિમી સંસ્કૃતિના વધી રહેલા પ્રભાવને દૂર કરી ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર પરથી વડીલો અને ગુરુજન પ્રત્યેની મર્યાદા, સત્યની સાથે સાથે સંયમ શીખવવાનો છે.
આ પ્રસંગે મહેસાણા જીલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલ, ગુજરાતનાં પ્રસિધ્ધ શિક્ષણવિદ અને લેખકશ્રી ડો. મફતલાલ પટેલ, અગ્રણી સામાજિક કાર્યકર્તા શ્રી સોમાભાઇ મોદી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, નુતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, યુનિવર્સિટીના હોદ્દેદારો અને અન્ય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ, રોટરી ક્લબ, વિસનગર અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આ ઐતિહાસિક પળની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખુબજ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી રહ્યું છે
