સોમનાથથી દેવભૂમિ દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના  વિવિધ સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાશે: પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા

બરડો ડુંગર સર્કિટમાં જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય, ફૂલનાથ મહાદેવ અને અંબાજી માતાના મંદિરને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોને પ્રવાસન અને યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, બરડો ડુંગર સર્કિટમાં પોરબંદર જિલ્લાની જાબુંવનની ગુફા, મોકરસાગર જળાશય તેમજ જામનગર જિલ્લાના ફૂલનાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના સિદસર તાલુકામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થઇ રહ્યો છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ભવિષ્યમાં બરડા ડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું આયોજન કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *