કપરાડાના રોહિયાળ તલાટ ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુર-કપરાડામાં જળસંચયના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો


રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને અને રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના જળસંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામમાં યોજાયો હતો. જેમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં રૂ. ૩૩૫૨ લાખના ખર્ચે તૈયાર થયેલા ૨૩ મોટા ચેકડેમોનું લોકાર્પણ અને રૂ. ૪૧૧૪ લાખના ખર્ચે તૈયાર થનારા પાંચ વિયરના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ બંને તાલુકામાં ૭૩ કરોડના ૩૮ ચેકડેમના કામ તેમજ રૂ. ૧૦ કરોડના ખર્ચે વિવિધ જળસંચયના કામોની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રંસગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ આદિવાસી વિસ્તારની સમસ્યાથી વાકેફ છે, તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સુજલામ સુફલામ, સૌની યોજના અને ઉદવહન સિંચાઈ યોજનાનું અમલીકરણ થયું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિંચાઈ યોજનાઓમાં છેલ્લા બે વર્ષમાં વાર્ષિક બજેટની સંખ્યામાં વધારો કર્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમાં વસતા આદિજાતિ કુટુંબોને સિંચાઇની સવલત પુરી પાડવી મુશ્કેલ હતી જેથી મોટા ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન કર્યું છે. જે પૈકી ધરમપુર અને કપરાડામાં 33 કરોડના ખર્ચે ૨૩ મોટા ચેકડેમના બાંધકામ પૂર્ણ કરાયા છે. જેનાથી ૧૭૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જળસંગ્રહ માટે રોહિયાળ તલાટ, માતુનીયા, વાડી, વડોલી અને મોટી પલસાણ ગામે ૩૪ કરોડના ખર્ચે વિયર બનશે. જેનાથી ૧૦૨.૮૦ લાખ ઘન ફૂટ પાણીના જથ્થાનો સંગ્રહ થશે અને ૨૧૭ એકર જમીનમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકાશે તેમજ આશરે ૬૮૫ લોકોને સિંચાઈ, પશુપાલન અને પીવા તથા ઘર વપરાશ માટે પાણીનો લાભ મળશે. બન્ને તાલુકામાં ૩૮ કામોની રૂ. ૭૨.૭૭ કરોડની વહીવટી મંજૂરી મળી છે જેનાથી ૧૭૮૩ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.આમ, બન્ને તાલુકામાં ૧૪૦ કરોડના ખર્ચે કુલ ૬૬ મોટા ચેકડેમ તથા વિયરના બાંધકામથી કુલ ૩૭૦૦ એકરમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આ ચેકડેમ અને વિયરના નિર્માણથી વરસાદી પાણીનું સરંક્ષણ થશે અને તેના કારણે ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે કૂવા તથા બોરવેલોમાં પાણીના તળ ઉપર આવશે. આ પગલાંથી ખેતી ઉત્પાદન વધશે, ખેડૂતોની આવકમાં વધારો થશે તથા પીવાના અને પશુપાલન માટે પાણી ઉપલબ્ધ થશે.

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, કપરાડા અને ધરમપુર તાલુકામાં આખું વર્ષ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું છે. આ વિસ્તારને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તેમજ ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે પાણી એકમાત્ર વિકલ્પ છે. કપરાડાને ભરપૂર કુદરતી સૌંદર્ય આપ્યું છે. ચોમાસામાં આ વિસ્તાર ચેરાપુંજી જેવો લાગે છે. આપણા વડાપ્રધાનશ્રી ગુજરાતના મુખ્યમંત્રી બનવાના વર્ષો પહેલા કપરાડા તાલુકામાં રહ્યા હતા, તેઓ આદિવાસી સમાજની મુશ્કેલીઓ સમજે છે, મુખ્યમંત્રી બન્યા બાદ આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ યોજના અમલમાં મૂકી આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કર્યો છે. આજે ૧૦૮ અંતરિયાળ ગામોમાં જઇ શકે છે, માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે આજે ઘરે પ્રસુતિ નથી પરંતુ હોસ્પિટલમાં જ થાય છે જે નરેન્દ્રભાઈ મોદીની માનવતાભર્યું વિઝન છે.
પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા અંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જ્યાં જ્યાં નદી ઊંડી છે ત્યાં વધુમાં વધુ ઉંચાઈવાળા ડેમ બનાવશે. આ કામગીરીમાં એક પણ ઇંચ જમીન નહિ જાય તેવા ડેમ બનાવી ખેડૂતોને સુખી કરવાનું વિઝન છે. ડેમ અને વિયરની ગુણવત્તાયુક્ત કામગીરી થશે જેથી આવનારી અનેક પેઢીઓ ઉપયોગ કરી શકશે. ભવિષ્યમાં આ વિસ્તારને ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ મળશે. આજે કપરાડાની દૂધી અને કારેલા દુબઈ સુધી પહોંચ્યા છે.

કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મુખ્ય ઈજનેર આર.એમ.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જળ સંચય યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી ત્યારબાદ મંત્રીશ્રી દ્વારા વિકાસ કાર્યોની ઇ-તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હિરાબેન માહલા, જિલ્લા પંચાયત સભ્ય ભગવાનભાઈ બાતરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, માજી ધારાસભ્યશ્રી માધુભાઈ રાઉત સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા દમણગંગા યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર પી.જી.વસાવા એ કર્યું હતું, જ્યારે આભારવિધિ દમણગંગા યોજના વિભાગ ન.૧, મધુબન કોલોનીના કાર્યપાલક ઈજનેર એસ.એન.પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાજલી પ્રા. શાળાના શિક્ષિકા જાગૃતિબેન ચૌધરીએ કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM