કૃપોષણની નાબુદી, રોજગારીનું સર્જન કરવા જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંકુલ હેઠળના ગામોનો સર્વાંગી વિકાસ થાય તે માટે માર્ગદર્શન આપતા સાંસદ

સંસદીય સંકુલ વિકાસ પરિયોજના હેઠળ ૧૦ ગામોના સર્વાંગી વિકાસ પર ભાર મુકતા સાંસદ પ્રભુભાઈ વસાવા
બારડોલી સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાના જામકુઈ ગામ ખાતે સંસદીય સંકુલ વિ.પરિયોજના હેઠળ જામકુઈ કલસ્ટરના ગામોના વિકાસના કામો અને વિભાગીય કામગીરીની અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૪૭ સંસદીય પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત જામકુઈ સંસદીય સંકુલ હેઠળ જામકુઈ, પીચણવાણ, ખાત્રાદેવી, સોલી, બુણધા, કોલખડી, ગંગાપુર, દેવગીરી, પિપલવાન, પેટરકુઈ મળી ૧૦ ગામોનું એક સંકુલ બનાવવામાં આવ્યું છે, આ સંકુલ કક્ષાએ જ લોકોની જરૂરીયાતો પૂર્ણ થાય તે માટેના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
તેમણે અધિકારીઓને જામકુઈ ક્લસ્ટરમાં એકપણ કુપોષિત બાળક ન રહે તે માટે પ્રયત્નો હાથ ધરવા પર ભાર મુકયો હતો. સાથે જ દરેક વ્યક્તિને સંપૂર્ણ રોજગાર મળે અને ગામડામાંથી શહેરીકરણ તરફનું સ્થળાંતર અટકે તે માટે આર્થિક ઉપાર્જનની પૂરતી તકો ઊભી કરવા પણ જણાવ્યું હતું. જે દિશામાં તમામ વિભાગોના અધિકારીઓએ ગંભીરતાપૂર્વક અને સંકલનથી કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સંકુલને શરૂ થયાને બે વર્ષ પૂર્ણ થયા છે, જેમાં ગામની મહિલાઓને રોજગારી અને તાલીમ આપવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. આ સંકુલ દ્વારા લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને આ સંકલ્પને પૂર્ણ કરવાના તમામ પ્રયાસો હાથ ધરવા અધિકારીઓ જણાવ્યું હતું. આ ક્લસ્ટરને ઉત્તમ કાર્ય દ્વારા અન્ય વિસ્તારો માટે રોલ મોડલ બનાવવાનો પણ ઉદ્દેશ રહેલો છે.
તેમણે જણાવ્યું હતું કે, વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ સંકુલમાં સમાવિષ્ટ ગામોના લોકોને મળી રહે તે માટે સતત કામગીરી ચાલી રહી છે. સાથે જ પર્યાવરણ અને વનોના સંરક્ષણ માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને વન વિભાગ દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક નિભાવવામાં આવી રહી છે.
આમલી ડેમના અસરગ્રસ્ત ૧૦ ગામોને આ સંકુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે. છેલ્લા દોઢ વર્ષમાં આ ગામોમાં અંદાજે ૨૦૦ આંબાના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં અહીં આંબાના અથાણાં માટે પ્રોસેસિંગ સેન્ટર શરૂ કરવાની યોજના છે, જેના થકી સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.
તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો જીવનધોરણ વનો સાથે સંકળાયેલું છે અને વન્યજીવોના સંરક્ષણ માટે પણ આદિવાસી ભાઈઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. વનમાં રહેતા પ્રાણીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે તેમજ વન્યજીવોના ખોરાક માટે વિવિધ પ્રકારના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
વિવિધ યોજનાઓના સંકલિત અમલીકરણ દ્વારા આ ૧૦ ગામોના વિકાસ સાથે પ્રાથમિક સુવિધાઓ અને રોજગારી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેમાં રાજ્ય સરકારનો સતત સહયોગ મળી રહ્યો છે.
બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા રજૂ કરી હતી.
આ બેઠકમાં આદિજાતિ, વનવિભાગ, પશુપાલન, કૃષિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, આરોગ્ય આઈ.ટી.આઈ. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ગ્રામસેવકશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ ,મયુર પટેલ
