ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત શ્રાવણ ઉત્સવ – ૨૦૨૬ અંતર્ગત ઐતિહાસિક નગરી વડનગર ખાતે દરરોજ ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજની ડમરું યાત્રામાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા વિશેષ રૂપે સહભાગી થયા હતા. ૧૦૮ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ડમરુના ગુંજારવથી સમગ્ર વડનગર નગરી શિવમય બની હતી અને એક અનોખું આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.

આ ભવ્ય આયોજનમાં ૧૦૮ કુશળ કલાકારો દ્વારા સમૂહમાં ડમરુ વાદન કરીને ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ આ યાત્રામાં પ્રત્યક્ષ જોડાઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો. સરકાર દ્વારા આયોજિત આ શ્રાવણોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો અને લોકોમાં ભક્તિ ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ વડનગરની ધરતી પર ડમરૂવાદકો દ્વારા રજૂ કરવામાં આવેલી આ અનોખી પ્રસ્તુતિને બિરદાવી હતી.
આજે વહેલી સવારે પ્રારંભ થયેલી આ ડમરુ યાત્રા વડનગરના વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો પરથી પસાર થઈ હતી. યાત્રાનો પ્રારંભ સિવિલ જનરલ હોસ્પિટલથી કરવામાં આવ્યો હતો, જે ત્યારબાદ અંબાજી કોઠા તળાવ, સોમનાથ મહાદેવ મંદિર અને નદીઓળ જેવા વિસ્તારોમાં ભ્રમણ કરીને અંતે આસ્થાના પ્રતીક સમાન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓએ કલાકારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
શ્રાવણોત્સવની આ ડમરુ યાત્રામાં માત્ર વડનગર જ નહીં, પરંતુ સમગ્ર પંથકના શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં ખેરાલુ, વિસનગર, વિજાપુર, સતલાસણા, મહેસાણા અને ઊંઝા તાલુકામાંથી મોટી સંખ્યામાં શિવભક્તો અને નાગરિકો જોડાયા હતા. કલાકારોના શિસ્તબદ્ધ ડમરુ વાદન અને ભક્તોના હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
યાત્રાના અંતમાં મંત્રીશ્રીઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.
ડમરું યાત્રા બાદ મંત્રીશ્રીઓએ પ્રેરણા સંકુલ અને મ્યુઝિક મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને શિવ ભક્તો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.