
ભારતના મહાન શિક્ષણવિદ્ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાતા શિક્ષક દિનની દાહોદ જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષકોના શિક્ષણક્ષેત્રે અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ. એલ. દામાએ શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોનું તુલસીના છોડ અર્પણ કરી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન
શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ અને નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષકોને રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારા સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષકોની નિષ્ઠા, સેવાભાવ અને શિક્ષણક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાનને આ પ્રસંગે બિરદાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, “શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનને સાચી દિશા આપનાર માર્ગદર્શક અને ઘડવૈયા છે.” શિક્ષકના સંસ્કાર, માર્ગદર્શન અને પ્રેરણાથી વિદ્યાર્થીઓ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બદલાતા સમયની સાથે શિક્ષણ ક્ષેત્રે નવા પડકારો અને નવી તકો ઊભી થઈ રહી છે. ટેક્નોલોજીના વધતા વ્યાપ અને બદલાતી શૈક્ષણિક જરૂરિયાતોના સમયમાં શિક્ષકોની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે સંસ્કાર, મૂલ્યો, સર્જનાત્મકતા અને જવાબદારીની ભાવના કેળવવામાં શિક્ષકની ભૂમિકા નિર્ણાયક છે. શિક્ષક જ વિદ્યાર્થીઓને જીવનમાં સાચી દિશા બતાવી તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે.
આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે શિક્ષક દિન નિમિત્તે જિલ્લાના તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષકો નવી પેઢીને જ્ઞાન, સંસ્કાર, મૂલ્યો અને જવાબદારીની ભાવના સાથે ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. શિક્ષકોના સમર્પણ અને નિષ્ઠાથી સમાજને સશક્ત અને રાષ્ટ્રને પ્રગતિશીલ બનાવવામાં મોટો ફાળો મળે છે. કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી આરત બારીયાએ આભારવિધિ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી સુરભિ ગૌતમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગમાબેન મોહનીયા, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, ડાયેટના પ્રાચાર્યશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, શિક્ષણ નિરીક્ષકશ્રી સહિતના અધિકારી-કર્મચારીઓ, શિક્ષક મિત્રો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.