વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના, એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ માટે અદાણી હજીરા પોર્ટ અને અદાણી વિલ્મર ખાતે આયોજિત એક દિવસીય અભ્યાસ મુલાકાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે.એન. ચાવડા સાહેબની પ્રેરણાથી તથા રજીસ્ટ્રારશ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના વડાશ્રી ડૉ. એમ.એન. ગાયકવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા એમ.એસ.ડબલ્યુ. પ્રોગ્રામ દ્વારા તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ અદાણી ફાઉન્ડેશનના ‘ઉડાન પ્રોજેક્ટ’ અંતર્ગત અદાણી હજીરા પોર્ટ અને અદાણી વિલ્મર લિમિટેડ ખાતે એક દિવસીય એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં કુલ ૯૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિઝિટ કો-ઓર્ડિનેટર ડૉ. નવીનકુમાર રોહિત અને ડૉ. મનોજ શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રની વાસ્તવિક કાર્યપ્રણાલીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો. અદાણી હજીરા પોર્ટ ખાતે ઉડાન પ્રોજેક્ટના પ્રોજેક્ટ ઓફિસર શ્રી નરેશ ચીલુકા દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર પોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી તથા પોર્ટની કામગીરી અને વિવિધ વિભાગો અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કન્ટેનર બર્થ, ડ્રાય ડોક વિસ્તાર, લિક્વિડ ટર્મિનલ, ડ્રાય કાર્ગો સ્ટોરેજ વિસ્તાર, કોલ યાર્ડ, મલ્ટીપર્પઝ બર્થ તથા ડ્રાય કાર્ગો ક્લોઝ્ડ ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. ત્યારબાદ અદાણી વિલ્મર લિમિટેડ ખાતે પેકેજિંગ વિભાગની ગેલેરીમાં પ્લાન્ટ મોડેલનું નિદર્શન કરવામાં આવ્યું હતું તથા પેકેજિંગ મશીનરીનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક એકમની કાર્યપ્રણાલી, ઉત્પાદન પ્રક્રિયા, પેકેજિંગ વ્યવસ્થા તેમજ વિવિધ તબક્કાઓ અંગે વ્યવહારુ સમજ પ્રાપ્ત થઈ હતી. ખાસ કરીને સમાજ કાર્યના વિદ્યાર્થીઓને ઉદ્યોગો, સંસ્થાઓ, કામદારો અને ઔદ્યોગિક પર્યાવરણને નજીકથી સમજવાની તક મળી હતી. મુલાકાતના અંતે ડૉ. નવીનકુમાર રોહિતે અદાણી ફાઉન્ડેશન અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર મુલાકાત વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી અનુભવ બની હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *