શૈશવ રાવ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત પ્રસિદ્ધ દેવમોગરા યાહા મોગી માતા મંદિરના વિકાસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજરોજ રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ દેવમોગરા ખાતે યાહા મોગી માતાના મંદિરની મુલાકાત લઈ માતાજીના દર્શન કર્યા હતા.આ દરમિયાન મંદિરના વિકાસને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.

ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં દેવમોગરા યાહા મોગી માતા મંદિરના વિકાસ માટે 13.2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
દેવમોગરા યાહા મોગી માતા મંદિર દેડિયાપાડા સહિત સમગ્ર આદિવાસી સમાજ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં માતાજીના દર્શન માટે આવે છે.
મહત્વની વાત એ છે કે, આ અગાઉ પણ ગુજરાત સરકાર દ્વારા મંદિરના પ્રવેશદ્વારના વિકાસ માટે 11.33 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
હવે મંદિરના વિકાસ માટે વધુ 13.2 કરોડ રૂપિયાની જોગવાઈ થતાં દેવમોગરા મંદિરના વિકાસને વધુ વેગ મળવાની આશા છે.
સરકારની આ જોગવાઈથી મંદિર પરિસરમાં વિવિધ વિકાસકાર્યો હાથ ધરાશે અને અહીં આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તેવી શક્યતા છે.
આજરોજ રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાની દેવમોગરા મુલાકાત અને માતાજીના દર્શન સાથે મંદિરના વિકાસ માટે કરવામાં આવેલી કરોડોની જોગવાઈને લઈને સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેવમોગરા યાહા મોગી માતા મંદિર હવે વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે.