‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા સોંગ ‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે દર્શકો સમક્ષ એક ભવ્ય અને આકર્ષક અંદાજમાં આવી રહી છે.
પિક્સેલ પોપ મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું અને સારેગામાના પ્લેટફોર્મ પર રજૂ થયેલું ‘ઘેરદાર ઘમ્મરિયા’ મેઘનાની કલાત્મક સફરનું એક મહત્વપૂર્ણ પગલું છે. ગીતમાં તેનો અભિનય, ડાન્સ, અભિવ્યક્તિ અને સ્ક્રીન પ્રેઝન્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.
પરંપરાગત ગરબાની ઊર્જાને આધુનિક સંગીત અને ભવ્ય વિઝ્યુઅલ્સ સાથે રજૂ કરતા આ ગીતમાં મેઘના એક અલગ જ અંદાજમાં જોવા મળે છે. તેના પરંપરાગત ગુજરાતી લુકથી લઈને ઊર્જાસભર ગરબા અને અભિવ્યક્તિ સુધી, ગીતને એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક સાથે આજની નવી પેઢીને આકર્ષે તેવી આધુનિકતા પણ જોવા મળે છે.
પોતાની આ નવી સફર અંગે મેઘના સંઘાણીએ જણાવ્યું હતું કે, “‘ઘેરદાર ઘમ્મરિયા’ મારા માટે માત્ર એક ગીત નથી, પરંતુ મારા જીવનની એક નવી શરૂઆત છે. ડાન્સ અને અભિનય હંમેશાંથી મારા દિલની ખૂબ નજીક રહ્યાં છે અને હવે તેને મોટા સ્તરે દર્શકો સમક્ષ રજૂ કરવાની તક મળી છે. હું ઇચ્છું છું કે લોકો આ ગીત દ્વારા માત્ર ‘ઘેરદાર ઘમ્મરિયા’ને જ નહીં, પરંતુ એક કલાકાર તરીકે મને પણ ઓળખે અને મારા કામ સાથે જોડાય.”
મેઘનાએ વધુમાં જણાવ્યું હતું કે, “નવરાત્રિ અને ગરબા સાથે દરેક ગુજરાતીનું એક ખાસ ભાવનાત્મક જોડાણ હોય છે. એટલે મારી આ નવી સફરની શરૂઆત ગરબા સાથે થઈ રહી છે તે મારા માટે ખૂબ જ ખાસ છે. પ્રિન્સ ગુપ્તા સાથે કામ કરવાનો અનુભવ અદભૂત રહ્યો. જ્હાનવી શ્રીમાંકરનો અવાજ, કેદાર-ભાર્ગવનું સંગીત અને પાર્થ તારપરાના શબ્દોએ આ ગીતને જે ઊર્જા આપી છે, તેને સ્ક્રીન પર જીવંત કરવાની તક મળવી મારા માટે યાદગાર અનુભવ રહ્યો છે.”


પિક્સેલ પોપ મીડિયાના ડિરેક્ટર અક્ષય સિંગે જણાવ્યું હતું કે, “‘ઘેરદાર ઘમ્મરિયા’ને એક ભવ્ય અને યાદગાર ગરબા સોંગ તરીકે રજૂ કરવાનો અમારો પ્રયાસ રહ્યો છે. મેઘનાએ પોતાના અભિનય, નૃત્ય અને અભિવ્યક્તિ દ્વારા ગીતની ઊર્જાને ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. ખાસ કરીને તેની સ્વાભાવિક સ્ક્રીન પ્રેઝન્સ અને ગરબાની ઊર્જા સાથેનું તેનું જોડાણ ગીતના વિઝ્યુઅલ્સને વધુ અસરકારક બનાવે છે. સમગ્ર ટીમના સુંદર પ્રયાસથી તૈયાર થયેલું ‘ઘેરદાર ઘમ્મરિયા’ આ નવરાત્રિએ દર્શકો અને ગરબાપ્રેમીઓ સાથે એક ખાસ જોડાણ બનાવશે તેવી અમને આશા છે.”
આ ગીતને જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાનું ડાયરેક્શન અને કોરિયોગ્રાફી મળ્યાં છે, જ્યારે જાણીતી ગાયિકા જ્હાનવી શ્રીમાંકરે ગીતને પોતાનો અવાજ આપ્યો છે. કેદાર-ભાર્ગવે સંગીત આપ્યું છે અને પાર્થ તારપરાએ ગીતના શબ્દો લખ્યા છે. સમગ્ર ટીમના સર્જનાત્મક પ્રયાસને મેઘનાએ પોતાના ડાન્સ અને અભિનય દ્વારા સ્ક્રીન પર જીવંત કર્યો છે.
‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે મેઘના સંઘાણી પોતાની કલાત્મક સફરના નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે. નવરાત્રિના રંગ, ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક મ્યુઝિક-વિઝ્યુઅલ્સના સંગમ સાથે તૈયાર થયેલું આ ગીત મેઘનાને અભિનેત્રી અને ડાન્સર તરીકે દર્શકો સમક્ષ રજૂ કરે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *