રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ માણાવદરના જીલાણા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત સેવાસેતુ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કેબિનેટ મંત્રીશ્રીએ સેવા સેતુ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ સાથે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
જીલાણા ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા ગ્રામજનોને સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો પૂરા પાડવામાં આવ્યા હતા. આ તકે નાગરિકોને સરળ અને સુલભ રીતે સરકારી સેવાઓનો લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન કર્યું
મંત્રીશ્રીએ વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરી ગ્રામજનોની સુખાકારી અને સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરી આધારકાર્ડ અંગે સંવાદ સાધ્યો હતો. ઉપરાંત, વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ રીતે તેમના અનુભવો અને સેવાઓ અંગેની માહિતી મેળવી હતી. ઉપસ્થિત સરકારી વિભાગોના કર્મચારીઓ સાથે ચર્ચા કરી સેવાસેતુ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ ગ્રામજનોને મળે તે માટે સંકલિત કામગીરી કરવા સૂચન કર્યું હતું.
વનવિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા સ્થળ પર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આંગણવાડીની બહેનો દ્વારા પોષણ માહ સપ્તાહ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કરી બહેનો સાથે સંવાદ કર્યો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમની સાથે આરોગ્ય સેવાઓ પણ આપવામાં આવી હતી. જેનો પણ સ્થાનિક અને આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો. મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા તથા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી નિકુંજકુમાર ધુડા, મામલતદાર શ્રી એસ. બી. ખાંભલીયા જીલાણા ગામના આગેવાન વિશાલભાઈ મેંદપરા, સહિત વિવિધ ગામોના આગેવાનો, સરકારી વિભાગોના કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.