ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી દિલીપભાઈ ગજ્જર નિવૃત્ત થયા
પુષ્પવર્ષા અને યાદગાર સંસ્મરણો વચ્ચે નાયબ માહિતી નિયામક શ્રી દિલીપભાઈ ગજ્જરને અપાયું ભાવભીનું વિદાયમાન
અધિકારીઓ-કર્મચારીઓએ વાગોળ્યા તેમના ૨૬ વર્ષના કાર્યકાળના સંસ્મરણો: પરિવારજનો ભાવુક ક્ષણોના સાક્ષી બન્યા




ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામક તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનાર શ્રી દિલીપભાઈ ગજ્જર સ્વૈચ્છિક નિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. વિદાયમાન પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રી ગજ્જરને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી, નિવૃત્ત જીવન માટે હૃદયપૂર્વકની મંગલ કામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ખાતાના સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશભાઈ દવે, નાયબ માહિતી નિયામક સર્વશ્રી પારુલબેન મણિયાર, શ્રી માનસીબેન દેસાઈ, શ્રી નિત્યા ત્રિવેદી, શ્રી મોના ગલસર, શ્રી લાલજીભાઈ ચાવડા તથા સહકર્મચારીઓએ શ્રી દિલીપભાઈ ગજ્જર સાથેના દીર્ઘ કાર્યકાળ દરમિયાનના મધુર સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા. વક્તાઓએ તેમની કાર્યશૈલી, વિષય પરની પકડ, કામગીરીમાં પારદર્શિતા, નેતૃત્વ ગુણ અને સ્ટાફ પ્રત્યેના સહાનુભૂતિપૂર્વકના વ્યવહારની સરાહના કરી હતી. શ્રી દિલીપભાઈ ગજ્જરને માહિતી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ તથા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરી, ભેટ-સોગાદો અર્પણ કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.



૨૬ વર્ષની દીર્ઘ સરકારી સેવા દરમિયાન શ્રી દિલીપભાઈ ગજ્જરે માહિતી ખાતાની છબી વધુ ઉજ્જવળ બનાવવામાં આપેલું અમૂલ્ય પ્રદાન અને તેમનો નિષ્ઠાવાન કાર્યકાળ કચેરીના અન્ય કર્મચારીઓ માટે સદા પ્રેરણાદાયી રહેશે. વિદાયના આ ભાવુક ક્ષણે સમગ્ર કચેરી પરિવારે ભારે હૃદયે પરંતુ ગૌરવપૂર્ણ સ્મૃતિઓ સાથે તેમને નિવૃત્ત જીવનની નવી ઇનિંગ્સ માટે શુભકામનાઓ અર્પણ કરી હતી.