આગામી નવરાત્રીના તહેવારોની શુભકામના પાઠવતા સરસ્વતી સ્કુલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ

આગામી નવરાત્રીના તહેવારોની શુભકામના પાઠવતા સરસ્વતી સ્કુલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ જણાવ્યું છે કે, નવરાત્રીના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. આસો સુદ એકમથી નોમ સુધીના નવ દિવસો. નવરાત્રીના આસો મહિનામાં આવતા આ નવરાત્રી ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે. મહિષાસુર નામનો એસ રાક્ષસ હતો. બ્રહ્મા પાસેથી તેણે વરદાન મેળવ્યું કે ‘હું કોઈજ  મનુષ્યથી ન મરૂ. એ પછી તેણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. દેવો અને મનુષ્યો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. દેવોએ અંતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી, ત્રણે દેવોએ એક દૈવી શક્તિનું- દેવીનું નિર્માણ કર્યું. શિવજીએ તે જગદંબા દેવીને-દુર્ગાને ત્રિશુલ, વિષ્ણુએ ચક્ર અને ઇન્દ્રએ વ્રજ અર્પણ કર્યું: અન્ય દેવોએ પોત પોતાનાં દિવ્ય શાસ્ત્રોથી દેવીને મંડિત કરી અને અસુર ઉપર વિજય પ્રાપ્ત કરવા પ્રાર્થના કરી અને દેવીએ અઢાર ભુજાઓ ધારણ કરી નવ-નવ દિવસ સુધી અનેક અસ્ત્રશસ્ત્રથી મહિષાસુર સાથે યુદ્ધ કરી તેને હણ્યો. અંતે દુર્ગાનો વિજય થયો. આસુરી વૃતિને ડામીને દૈવી શક્તિની પુનઃ સ્થાપના કરી. આ નવલા દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃતિ પર વિજય મેળવવાનો. વાસ્તવિક અર્થમાં મહિષાસુર દરેકના હદયમાં પોતાનું સ્થાન જમાવીને બેઠો છે.મહિષ એટલે પાડો. આપણી વૃતિ મહિષ જેવીજ લગામ રહિત અને સંયમહીન છે.આ મહિષાસુરની માયા ઓળખવા, તેની આસુરી ભીંસમાંથી મુક્ત થવા દૈવી શક્તિની આરાધનાની જરૂર છે! મહિષાસુરને, મહિષવૃતિને કેવળ શક્તિથી જ જીતી શકાય! દેવી જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દિવસો તે જ નવરાત્રીના દહાડા!

સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ ઉમેર્યું છેકે, આ દૈવી શકિતને જગદંબા, દુર્ગા, અંબા, અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવી છે. માતાજીના ભકતો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે અને નવ દિવસના ઉપવાસ કરે છે, શકિતની આરાધના કરે છે. ઉપવાસ પાછળ સ્વાસ્થ્યનું એક કારણ પણ કામ કરે છે. ભાદરવા મહિનાથી શરદઋતુનો આરંભ થાય છે. ચોમાસું હોવાથી કાદવ, કીચડ, મચ્છર, જીવજંતુ વગેરેના ઉપદ્રવથી આ સમયગાળામાં રોગચાળો ફેલાય છે. નવરાત્રિના ઉપવાસ કરવાથી, માત્ર ફળાહાર કરવાથી શરીર શુદ્ધિ થાય છે, પાચનક્રિયાની તકલીફ દૂર થઈ આરોગ્ય સુધરે છે.આપણા વેદોએ શકિત ઉપાસનાને ખૂબ મહત્વ આપ્યું છે. મહર્ષિ વ્યાસે પણ પાંડવોને શકિત ઉપાસનાનું મહત્વ સમજાવતા એવી શીખામણ આપી હતી કે ધર્મનાં મૂલ્યો ટકાવવા શકિતની ઉપાસના કરવી જ પડશે. ફકત મૂલ્યો કે સદ્દવિચાર હોવા એ પૂરતું નથી તેનું રક્ષણ પણ જરૂરી છે અને તે માટે શકિત ઉપાસના જરૂરી. તેથી આપણે પણ આળસ પ્રમાદને ખંખેરી નવરાત્રિમાં શકિત ઉપાસના, શકિત માટે સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંગઠનમાં જ શકિત અને ભક્તિ છે. નવરાત્રિમાં સાથે મળી, સંગઠિત થઈ ગરબા કે રાસ રૂપે દેવીની આસપાસ ધૂમવાનું હોય છે. અને ઘૂમતાં ધૂમતાં સદ્દબુદ્ધિ, એકતા અને સંધબળ માટે પ્રાર્થના કરવાની હોય છે, સાથે સાથે રાસ, ગરબા કે નૃત્ય દ્વારા શુદ્ધ આનંદની અભિ વ્યકિત કરવાની હોય છે. આરોગ્યનું અન્ય એક વૈજ્ઞાનિક કારણ પણ રાસગરબા સાથે જોડાયેલું છે. સૌ ભેગા મળી દિવસો અગાઉથી રાસગરબાની પ્રેકિટસ કરે છે અને નવ-નવ દિવસ મોડીરાત સુધી, કલાકો સુધી રાસગરબા રમે છે તેથી શરીરનો મેદ આપોઆપ ઓગળી જઈ શરીર સપ્રમાણ, સ્વસ્થ, સ્ફૂર્તિલું બને છે. રાસગરબા રમતી વખતે બધાંજ પ્રકારની શારીરિક કસરત આપોઆપ થઈ જાય છે તેથી મહિનાઓ સુધી દવાઓ ખાઈને, ખોરાક પર કાપ મૂકીને, આરોગ્ય જોખમમાં મૂકીને પણ સ્ત્રીઓ જે મેદ (ચરબી) ઓગાળી નથી શકતી તે મેદ ગરબારાસ રમવાથી ગણતરીના દિવસોમાં ઓગળી જઈ શરીર સુડોળ બને છે. વળી, સતત રાસ રમવાથી ખૂબ પરસેવો વળે છે તે પ્રસ્વેદ સાથે શરીરનો બધો કચરો નીકળી જાય છે અને શરીર શુદ્ધ થાય છે.

ધર્મ અને આરોગ્ય વિજ્ઞાનનો કેવો સુંદર સમન્વય છે. એટલું જ નહીં સૌ સાથે મળી લય અને તાલથી રાસગીતો ગાય છે તેમાં સંગીતનો પણ પાકો મહાવરો થઈ જાય છે. શકિત, સ્વાસ્થ્ય અને સંગીત ત્રણેનો સંગમ! અને આ સાથે ભળે આપણી એકતાનો ભાવ! પરંતુ ધીમેધીમે હવે વૃત્તિ અને વર્તનના ફેરફારો વધવા લાગ્યાં છે. આજે ભકિતના નામે નવરાત્રિમાં સ્વચ્છંદતા અને સ્વેચ્છાચારે માઝા મૂકી છે. રાસગરબાને બદલે ઉત્તેજના અને આડંબરથી ઊભરાતાં બીભત્સ નૃત્યો થાય છે. ડીસ્કો ડાન્સ જેવા વિકૃત વર્તનથી મૂળ ઉત્સવનો મર્મ માર્યો જાય છે, સંસ્કાર માત્રનું ધોવાણ થાય છે. મહિયા સુરના નાશને બદલે પોતાના જ સંસ્કારનો નાશ થાય છે, માત્ર યુવાધન જ નહીં થોડાંઘણાં અંશે મોટેરાંઓ પણ આ માટે જવાબદાર બને છે. સંતાનોને આનંદ કરવા દેવાના બહાને આંખ આડા કાન કરવાને બદલે વડીલોએ સંતાનોને ધાર્મિક દ્રષ્ટિકોણ સમજાવી તેમના પર થોડો સંયમ રાખવો રહયો.

સરસ્વતી સ્કુલનાં સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવે છે કે,શક્તિ સાથે ભકિતનો સમન્વય એટલે વિજયાદશમી દશેરાનો ઉત્સવ. એ પ્રસ્થાનનો ઉત્સવ છે. પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસે વિજય પ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાનશ્રી રામ અને રાવણનું યુદ્ધ છેડાયું તેમાં આ દિવસે રામે રાવણનો વધ કર્યો અને ઉત્સવ મનાવ્યો. ત્યારપછીતો આ ઉત્સવ આજ સુધી ઉજવાઈ રહયો છે. દશેરાને દિવસે રાવણના મોટાં પૂતળાં બનાવવામાં આવે છે અને લોકો તેનું દહન કરે છે એટલે કે તેને બાળે છે. આ રાવણ દહન જોઈને આપણે ખુશ થઈએ છીએ પણ દરેકમાં થોડાં વધતાં અંશે રાવણ વસી રહયો છે. કામ, ક્રોધ, લોભ, મોહ,હિંસા, ચોરી, વ્યાભિચાર વગેરે રૂપે આપણામાં રાવણ રહેલો છે. પણ હા, રાવણ સાથે આપણા આત્મારામમાં રામ પણ વસે જ છે! તે સમવૃત્તિ જાગૃત કરી અવગુણ રૂપી રાવણનો વધ કરવાનો છે. રાવણ ઈન્દ્રિયોનો ગુલામ હતો તેથી માર્યો ગયો, આપણે પણ વૃત્તિઓના ગુલામ ન બનીએ તેનો સંકલ્પ વિજયાદશમીએ કરવો રહયો. વિજયાદશમીએ લોકો ઘરે મિઠાઈ લાવે છે અને આનંદથી વિજયા દશમી ઉજવે છે. આ દિવસે શમીપૂજન પણ કરવામાં આવે છે. શમીનું વૃક્ષ એટલે ખીજડાનું વૃક્ષ. શમી-ખીજડો પવિત્ર વૃક્ષ ગણાય છે. વિજયા દશમીએ લોકો દરેક પ્રકારનાં નવાકાર્યોનો શુભારંભ કરે છે જેમાં ચોઘડિયું જોવાની પણ જરૂર રહેતી નથી ! નવરાત્રિ અને દશેરાના તહેવારની તથા આસો મહિનાની શરદઋતુની પરાકાષ્ઠા

 

એટલે શરદપૂર્ણિમા. શરદપૂર્ણિમાં ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે મધરાતે દેવી લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિહાર કરે છે અને પૂછે છે, કોણ જાગર્તિ ? ” એટલે કે કોણ જાગે છે ? જે જાગતું હશે તેને ધન આપીશ.” અને જે જાગતું હોય તેને દેવી વરદાન આપે છે. લક્ષ્મી આળસુ કે પ્રમાદી, ઊંઘતા માણસને નથી મળતી જે સતત જાગૃત છે, પ્રયત્નશીલ છે તેને મળે છે. નવરાત્રિનું આરોગ્ય, ભકિતની શકિત મેળવી, વિજયાદશમીનો વિજય મેળવી નવાવર્ષને વધાવવા,સુખદ બનાવવા તો જાગૃત અને પ્રયત્નશીલ બનવું જ જોઈએ. વળી ચંદ્રની શ્વેત ચાંદની રેલાતી હોય તેમાં રાત્રે દૂધપૌંઆ ખાવાનો આનંદ ભળે, દૂધપૌંઆ ખાઈને પૂર્ણિમાનું જાગરણ કરવાની શકિત મળે. શરદપૂર્ણિમાના ચંદ્રના શીતળ પ્રકાશથી વનસ્પતિ, ઔષધિઓ વગેરેને પુષ્ટિ મળે છે. આ જ સમયમાં નવું અન્ન પણ પાકી ગયું હોય છે. પૃથ્વી પણ નવા શણગાર સજે છે. વર્ષાઋતુને લીધે જંગલો, ડુંગરો, ધસમસતી નદીઓ, ખેતરોમાં લહેરાતી નવી ફસલો બધુંજ રળિયામણું! એટલે ઉત્સવ જ ઉત્સવ! શરદપૂર્ણિમા સુધી એ ઉત્સવ આનંદ લંબાય છે! રાસના રસિયાઓ તો નવ દિવસ રમીને ન થાક્યા હોય તેમ શરદપૂર્ણિમા એ પણ નાચેકૂદે છે, રાસ રમે છે! બધે જ માત્ર આનંદ! શુદ્ધ મને આ ઉત્સવને, આનંદને માણીએ તેમ સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદિપભાઈ ખીમાણી, શ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *