
રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલી ઝોન ઓફિસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોને સરકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને ઝડપથી મળી રહે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, સેવા સેતુ કાર્યક્રમ એ નાગરિકોના ઘર આંગણે સરકારી સેવાઓ પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહ્યો છે. સામાન્ય લોકોને નાના-મોટા દાખલા કે યોજનાકીય લાભો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને એક જ મંચ પરથી ઝડપી નિકાલ થાય તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના વિવિધ વોર્ડના સભ્યો મનીષા પટેલ (વોર્ડ નં. ૧૦), વિનોદ શર્મા (વોર્ડ નં. ૧૦), જિજ્ઞેશ પટેલ (વોર્ડ નં. ૦૩), પ્રવિણા પટેલ (વોર્ડ નં. ૧૧), નેહા પટેલ(વોર્ડ નં. ૦૪), રીટા પટેલ (વોર્ડ નં. ૧૧), અને પ્રવીણ પટેલે (વોર્ડ નં. ૦૭) ઉપસ્થિત રહી કામગીરીને વેગ આપ્યો હતો. નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર ઉપસ્થિત રહીને નાગરિકોની અરજીઓનો સત્વરે નિકાલ કરવામાં મદદરૂપ રહ્યા હતા.
સેવાસેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન આધારકાર્ડ, જાતિનો દાખલો, રાશનકાર્ડ, જેવી વિવિધ યોજનાઓ તેમજ સરકારી દસ્તાવેજી બનાવવા / સુધારો માટે ૩૩૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ સંબંધિત કામગીરી તેમજ અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ સ્વીકારી સ્થળ પર જ યોગ્ય કામગીરી કરવામાં આવી હતી. અબ્રામા વિસ્તારના સ્થાનિક રહીશો તેમજ મોટી સંખ્યામાં આવેલા લાભાર્થીઓએ આ આયોજન બદલ રાજ્ય સરકાર, નગરપાલિકા તંત્ર અને લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.