
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાએ રાજકોટના નાના મવા-મોકાજી સર્કલ ખાતે આવેલી પી.એમ.શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ની મુલાકાત લઈ શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક તથા અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કરી સમીક્ષા હાથ ધરી હતી. રાજ્ય મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ થકી તેમના અભ્યાસ, વાંચન-ગણન-લેખન, વિદ્યાર્થીઓની રસ-રુચિ તથા શાળામાં મળતા શિક્ષણ, મધ્યાહન ભોજન સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દિક્ષિત પટેલ, સી.આર.સી કોર્ડીનેટર તથા શાળાના આચાર્યને રેમેડિયલ ક્લાસ તથા વિદ્યાર્થીઓના વાંચન-ગણન-લેખન ઉપર ભાર મુકવા જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૫૪થી કાર્યરત આ શાળામાં હાલમાં બાલવાટિકા સહિત ધોરણ ૧થી ૮માં કુલ ૬૫૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પી.એમ. શ્રી યોજના અંતર્ગત શાળામાં ગુણવત્તાયુક્ત, અનુભવ આધારિત અને ટેકનોલોજી આધારિત શિક્ષણ માટે વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.